શ્રીનગરમાં સરપંચના હત્યારા તોયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર

330

– નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં જવાનો માટે હેલિપેડનો વધારો કરાશે જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં 104 જવાનો શહીદ,31 આતંકીઓ ઠાર,સરહદે ઘુસણખોરીના 176 પ્રયાસો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા એન્કાઉન્ટરમાં લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા.માર્યા ગયેલા આ આતંકીઓ હાલમાં જ ખોનમોહ વિસ્તારમાં એક સરપંચની હત્યામાં સામેલ હતા.

વહેલી સવારે સૈન્ય દ્વારા શ્રીનગરના નોવગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું જે દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો.જ્યારે સરકારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં 104 જવાનો શહીદ થયા છે.

આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક એકે-47 અને બે પિસ્તોલ મળી આવી હતી.જે આતંકીઓ માર્યા ગયા છે તેમના નામ આદિલ તેલી અને શાકિબ છે અને બન્ને શોફિયાંના રહેવાસી છે. જ્યારે ત્રીજા આતંકીનું નામ ઉમર તેલી છે.આ ત્રણેય આતંકીઓ લશ્કરે તોયબા સાથે જોડાયેલા હતા.અને સૃથાનિક કાશ્મીરીઓ પર હુમલા કરવામાં પણ તેમનો હાથ હતો.

કેન્દ્ર સરકારે આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આતંકીઓ દ્વારા ઘુસણખોરીના 176 પ્રયાસો થયા હતા.જ્યારે આ સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં 31 આતંકીઓ માર્યા ગયા હતા અને સાથે જ 104 સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે.

આંકડા અનુસાર 2020માં ઘુસણખોરીના 99 પ્રયાસ થયા હતા,જ્યારે 2021માં આવા 77 પ્રયાસો થયા હતા.જ્યારે છેલ્લા બે વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓમાં કુલ 104 સુરક્ષા જવાનો શહીદ થયા હતા.દરમિયાન સૈન્ય દ્વારા દિવસે ને દિવસે સુરક્ષા વધારવામાં આવી રહી છે.

સીઆરપીએફ દ્વારા હવે નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વધારાના હેલિપેડ્સ તૈયાર કરવામા આવી રહ્યા છે કે જેથી ઓપરેશન દરમિયાન સૈન્યને મદદ મળી રહે અને નક્સલીઓના હુમલા સમયે જે જવાનો ઘાયલ થાય છે તેમને તાત્કાલીક સારવાર માટે એર એમ્બ્યૂલંસથી હોસ્પિટલ લઇ જઇ શકાય.હાલ નક્સવાદ પ્રભાવિત વિસ્તારોમાં સીઆરપીએફના કુલ જવાનોના 40 ટકા જવાનો તૈનાત છે.આ એવા હેલિપેડ્સ હશે કે જેનો ઉપયોગ રાત્રીના સમયે પણ કરી શકાશે.

Share Now