નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022, રવિવાર : કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીની મોદી સરનેમ અંગેની એક કથિત ટિપ્પણીને લઈ કોર્ટે તેમને નોટિસ પાઠવી છે.રાહુલ ગાંધીએ 28મી માર્ચ સુધીમાં આ નોટિસનો જવાબ આપવાનો રહેશે. હકીકતે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ભાજપના મંત્રી પૂર્ણેશ મોદીની એક અરજીના અનુસંધાને રાહુલને નોટિસ પાઠવી છે.
પૂર્ણેશ મોદીએ આ અરજીમાં સુરતની એક કોર્ટના એ આદેશને પડકાર્યો છે જેમાં કોંગ્રેસી નેતા વિરૂદ્ધ 2019ના ‘મોદી ઉપનામ’વાળા તેમના નિવેદન પર અપરાધિક માનહાનિ મામલે સંબંધીત તેમની અરજી ફગાવી દેવાઈ હતી.
અરજીકર્તાએ સુરતની કોર્ટના 23 ફેબ્રુઆરીના આદેશને તાજેતરમાં જ ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવ્યો હતો.સુરતની કોર્ટે મંત્રીની એ અરજી ફગાવી દીધી હતી જેમાં તેમણે આરોપી (ગાંધી)ને તેમના ભાષણ સાથે સંબંધીત ‘સીડી અને/કે પેનડ્રાઈવ અને/કે તેવા અન્ય ઈલેક્ટ્રોનિક રેકોર્ડની સામગ્રીને વ્યક્તિગતરૂપે સમજાવવા’ નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો.
ફરિયાદકર્તાના કહેવા પ્રમાણે કોંગ્રેસ સાંસદની કથિત ટિપ્પણી, ‘તમામ ચોરોનું સામાન્ય ઉપનામ મોદી કઈ રીતે છે?’ના કારણે સમગ્ર મોદી સમાજને બદનામ કરવામાં આવ્યો.ગાંધીએ ગત વર્ષે સુરતની કોર્ટમાં હાજરી આપી તે વખતે પોતાનો દોષ નહોતો સ્વીકાર્યો.
ન્યાયમૂર્તિ વી એમ પંચોલીએ ગત સપ્તાહે એક આદેશમાં પ્રતિવાદી ગાંધી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી જેનો 28મી માર્ચના રોજ જવાબ આપવાનો છે.આ સાથે જ ઉચ્ચ ન્યાયાલયે ફરિયાદકર્તાના અનુરોધ પ્રમાણે સુરત કોર્ટ સમક્ષ લંબિત ખાનગી ગુનાહીત બદનક્ષી મામલે કાર્યવાહી પર પણ વચગાળાની રોક લગાવી છે.