ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 13 પોઝિટિવ કેસ સામે આવી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના 4 કેસ પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં કોરોનાના 3 પોઝિટિવ કેસ, રાજકોટ અને સુરતમાં એક – એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એ સિવાય નવા 4 કેસ પણ પોઝિટીવ મળ્યા છે. નીતિન પટેલે વડોદરાની હોસ્પિટલમાં મુલાકાત લઈને આ માહિતી આપી હતી. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. દુબઈથી પરત ફરેલ ગાંધીનગરનો યુવક સંક્રમિત હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 4 પર પહોંચ્યો છે.
આ સાથે જ ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાના સકંજામાં આવી ગયા છે. આ સાથે તમામ પોઝિટીવ કેસના દર્દીના સંપર્કમાં આવનારા કુલ 41 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. બીજી બાજુ ગુજરાતમાં હજુ 34 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં ચેપને ફેલાવો અટકાવવા 144ની કલમ લાગુ કરાઈ છે.
કોરોના વાઈરસના રાજકોટ-સુરતના એક એક કેસ અને અમદાવાદમાં 4, વડોદરાના 3 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. આમ જોવા જઈએ તો તમામ કેસ વિદેશમાં વસતા ભારતીયોના છે, સ્થાનિક લોકોમાં હજુ સુધી કોઈ કેસ નોધાયો નથી. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના કેસો વધે નહીં તેના માટે તમામ કોશિશો કરી રહી છે.
કોરોના મામલે શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે. સિવિલ હોસ્પિટલમાં સીએમ રૂપાણી પહોંચ્યા છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે.
તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.