કોરોના ઈફેક્ટના કારણે સરકારી કચેરીમાં જ્યાં સૌથી વધુ મુલાકાતીઓ આવે છે તે કચેરીમાં મુલાકાતીઓ પર અંકુશ મુકવામા આવી રહ્યો છે. જેના લીધે રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરી બંધ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ સંક્રમણ સંદર્ભે ગુજરાતની આરટીઓ કચેરીઓ પણ બંધ કરવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી તારીખ 29 માર્ચ, 2020 સુધી સ્થગિત કરી દેવાઈ છે. એટલે કે, રાજ્યની તમામ 36 આરટીઓ ઓફિસ 29 માર્ચ સુધી બંધ રાખવાની સૂચના અપાઈ છે.
હાલ કોરોના વાયરસના ગુજરાતમાં પગપેસારા વચ્ચે રાજ્યભરમાં આગમચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, જાહેર સ્થળો, પબ્લિક ગેધરિંગ, ખાણીપીણીના બજારો બધુ જ બંધ કરાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ સૂચનો રોજેરોજ બહાર પાડવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોનાને નિયમંત્રણમાં લાવવા માટે રવિવારે જનતા કર્ફ્યુનું એલાન આપવામાં આવ્યું છે. બીજી બાજુ સૌથી વધુ લોકો આરટીઓ કચેરીઓમાં મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવીંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ છે. આ કામગીરી 29 માર્ચ, 2020 સુધી સ્થગિત કરાઈ છે. જેને પગલે તમામ 36 ઓફિસ બંધ રહેશે. જેથી અરજદારો માટે આરટીઓ કચેરી ખાતે કામ કાજ બંધ રહેશે. નાગરિકોને નોંધ લેવા વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા જણાવાયું છે.
બીએસ-4 એન્જિનની નોંધણી ચાલુ
આરટીઓ ઓફિસ બંધ રહેવાથી આરટીઓને લગતી તમામ સુવિધાઓ પણ બંધ રહેશે. જેમા ઓનલાઈન સુવિધાઓ પણ બંધ રાખવામાં આવનાર છે. પરંતુ બીએસ-4 એન્જિનની નોંધણી ઓનલાઈન ચાલુ રહેશે. જેથી ગ્રાહકો બીએસ-4 એન્જિનની નોંધણી કરાવી શકશે. સર્વોચ્ચ અદાલતના 24 ઓક્ટોબર, 2018ના ચુકાદાને ધ્યાનમાં રાખીને 31 માર્ચ, 2020 સુધી BS – IV ના વાહનોની નોંધણી કરવી અનિવાર્ય છે.
તેથી આ કામગીરી 31 માર્ચ, 2020 સુધી ફક્ત BS – IV વાહનોના રજીસ્ટ્રેશન માટે ચાલુ રહેશે. તેમજ જે અરજીઓ માટે અરજદારોએ આરટીઓ કચેરી ખાતે ઉપસ્થિત રહેવાની જરૂરી નથી તેવી FACELESS SERVICES ના નિકાલની કામગીરી યથાવત રહેશે. વાહન સંબંધિત કામગીરી માટે અરજદાર ઓનલાઈન ટેક્સ અને ફી ભરી શકશે. આ સિવાયની તમામ સેવાઓ માટે અરજદારોએ આરટીઓ કચેરીએ 29 માર્ચ, 2020 સુધી આવવાનું રહેશે નહિ તેવી સૂચના અપાઈ છે.