જાણો, યુધ્ધના 28 દિવસ છતાં રશિયા કીવને કેમ જીતી શકયું નથી ? યુક્રેન સૈનિકોની ગેરિલા ગેમથી રશિયા પરેશાન,

446

કીવ,23 માર્ચ,2022,બુધવાર : કીવમાં રશિયા દ્વારા રોજ ભીષણ બોંબમારો થાય છે અને વિનાશ વેરાય છે પરંતુ એ હકિકત છે કે યુક્રેનના સૈનિકોએ રાજધાની કીવને રશિયાના હાથમાં આવવા દીધું નથી. રશીયાની સેના કીવની આસપાસના તથા અન્ય વિસ્તારોમાં પ્રવેશમાં ભલે કામયાબ થઇ હોય પરંતુ કીવના હાર્દ ગણાતા વિસ્તારો સુધી યુક્રેને પહોંચવા દીધી નથી.આથી જ તો રશિયાના સૈનિકો ખૂબજ ધીમી ગતિએ આગળ વધી રહયા છે.કેટલાક સ્થળે તો કાફલો સાવ જ અટકી ગયો છે.

ત્રણ સપ્તાહ પહેલા રશિયાનો 63 કિમી લાંબો કાફલો હાઇવે પર કીવ તરફ આગળ વધી રહયો હતો ત્યારે કીવ ગણતરીના કલાકોમાં જ નિયંત્રણમાં આવી જશે અને યુધ્ધ પુરુ થશે એમ જણાતું હતું પરંતુ યુક્રેનના જડબાતોડ પ્રતિકારે સાબીત કર્યુ છે કે ગમે તેટલી અધતન ટેકનોલોજીના શસ્ત્રોથી હુમલા કરવામાં આવે પરંતુ ગ્રાઉન્ડ પરનો કબ્જો ખૂબજ મહત્વનો છે.

નિષ્ણાતોનું માનવું છે કે 28 દિવસથી કીવ રુપી કિલ્લો ધરાશયી નહી થવા માટે યુક્રેન સૈનિકોની હીટ એન્ડ રન વ્યૂહરચના કારણભૂત માનવામાં આવે છે.યુક્રેન સૈનિકો ચોકકસ વ્યૂહથી એક પોઇન્ટ પરથી ગેરિલા પ્રકારે અચાનક જ હુમલો કરીને ભાગી જવામાં સફળ રહે છે.આ ગેરિલા ગેમથી રશિયાનું સૈન્ય આક્રમક બનવાના સ્થાને ડિફેન્સની સ્થિતિમાં આવી જાય છે.કીવની બહારના ખુલ્લા તથા ગ્રામીણ વિસ્તારો સુધી યુક્રેનના સૈનિકો અચાનક જ હુમલો શરુ દેતા હોવાથી રશિયાની ટેંકો અને બખ્તરબંધ ગાડીઓને પણ વધારે નુકસાન થાય છે.

રાજધાની કીવ અને મારીયૂપોલ પોર્ટ સિટીમાં પણ યુક્રેનની ટકકર

યુક્રેનના રક્ષામંત્રી મંગળવારે એવો દાવો કર્યો હતો કે કીવના ઉપનગર માકારીવમાં યુક્રેન અને રશિયાના સૈનિકો વચ્ચે ભીષણ સંઘર્ષ થયો જેમાં યુક્રેની સૈનિકોએ રશિયાના સૈનિકોને ખદેડી મુકયા હતા.યુક્રેની સૈનિકો હાઇવેના મુખ્ય ભાગને પોતાના નિયંત્રણમાં લઇ લીધો છે એટલું જ નહી રશિયાના સૈનિકોને ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધતા અટકાવી દીધા છે.

રાજધાની કીવ અને મારીયૂપોલ પોર્ટ સિટીમાં પણ યુક્રેન ટકકર આપી રહયું છે.રશિયાનો ભીષણ બોંબમારા છતાં યુક્રેન શરણાગતિ સ્વીકારવાથી દુર રહયું છે.યુક્રેનમાં 1 કરોડથી વધુ લોકો યુધ્ધની પરીસ્થિતિમાં ભૂખમરાનો સામનો કરી રહયા છે પરંતુ એક પક્ષ તરફથી યુધ્ધ અટકવાનું નામ લેતું નથી.

Share Now