
નવી દિલ્હી,તા.25 માર્ચ 2022,શુક્રવાર : કાશ્મીરી પંડિતોના અત્યાચાર પર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બનાવીને આખી દુનિયામાં વાહ વાહ મેળવનાર ડાયરેકટર વિવેક અગ્નિહોત્રીએ હવે દિલ્હીમાં થયેલા રમખાણો પર ફિલ્મ બનાવવાની વિચારણા શરુ કરી છે.
એક અખબાર સાથેના ઈન્ટરવ્યૂમાં વિવેકે કહ્યુ હતુ કે,હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને ખોટા સાબિત કરવા માટે કે કોઈને હરાવવા માટે નથી આવ્યો.હું મારા દમ પર ફિલ્મો બનાવું છું.હું બોલીવૂડથી સ્વતંત્ર રહીને કામ કરુ છું.મને કોઈ વખાણ કરે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.
તેમણે કહ્યુ હતુ કે,હું પ્રતિભાશાળી લોકો સાથે સર્જનાત્મક ફિલ્મ બનાવવા માંગુ છું અને હું જે માહોલમાં અગાઉ કામ કરતો હતો તેમાં એન્જોય નહોતો કરી શકતો.કોઈ એક સ્ટાર ફિલ્મ પર તમામ પ્રકારનો કંટ્રોલ રાખતો હોય તે સ્થિતિ મને માફક આવે તેવી નહોતી.
વિવેકે કહ્યુ હતુ કે,કોઈ મોટા સ્ટાર સાથે તમે કામ કરતો તો જ તમારૂ સ્ટેટસ વધે અને કોઈ તમારી નોંધ લે તે પ્રકારની વિચારધારાને મારે તોડવી હતી.
તેમણે આગળ કહ્યુ હતુ કે,અમે દિલ્હી ફાઈલ્સ ફિલ્મ બનાવવા માટે જઈ રહ્યા છે.જ્યારે ધ કાશ્મીર ફાઈલ્સ પર વેબ સિરિઝ બનાવવાની વાત છે તો અમને કેટલાક બીજા સારા લોકોની જરૂર છે જે આ ઘટનાઓને એક માળામાં પરોવીને લોકો સમક્ષ રજૂ કરી શકે.આ માટે કોઈ મોટા પ્રોડક્શન હાઉસે આગળ આવવુ જોઈએ.