ઈસ્લામાબાદ, તા. 27 માર્ચ 2022, રવિવાર : પાકિસ્તાનમાં વ્યાપેલા રાજકીય ઘમસાણ વચ્ચે 24 સાંસદો બગાવત પર ઉતરતાં ઈમરાન ખાનની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.વિપક્ષ એકજૂથ થઈ ગયું છે અને સેના પ્રમુખ બાજવાને પણ હવે ઈમરાન ખાન સહન નથી થઈ રહ્યા.ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન રાજધાની ઈસ્લામાબાદ ખાતે એક મેગા રેલી યોજવા જઈ રહ્યા છે.
આવતીકાલે એટલે કે, 28 માર્ચના રોજ ઈમરાન ખાને અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવાનો છે અને 3 કે 4 એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે.સત્તારૂઢ દળે પાકિસ્તાનની સંસદમાં એ સાબિત કરવાનું છે કે,તેના પાસે બહુમત માટે જરૂરી 172 સાંસદોનું સમર્થન છે.
ઈમરાન ખાનની રેલી માટે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના હજારો સમર્થકો ટ્રેન દ્વારા વિભિન્ન ક્ષેત્રોમાંથી રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે લોકોને ઈસ્લામાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચવા માટે અપીલ કરી હતી.
વધુ વાંચોઃ
ઈમરાન ખાનને મળ્યું જીવનદાન,હવે આ તારીખે રજૂ થશે અવિશ્વાસનો પ્રસ્તાવ
એવું માનવામાં આવે છે કે,આના દ્વારા તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માગે છે.વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પહેલા વધી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે કાર્યકરો અને નેતાઓ ઈસ્લામાબાદ રેલીમાં પહોંચી રહ્યા છે.
ઈમરાનની રેલીમાં સામેલ થવા માટે હજારો સમર્થકો ટ્રેનો,સાર્વજનિક વાહનો અને ખાનગી કારોમાં આવી રહ્યા છે.ત્યારે રેલીને રોકવા માટે વિપક્ષી દળોએ પણ મોરચા માંડ્યા છે.ઈસ્લામાબાદ તરફ જતા રસ્તાઓ બંધ કરવાના પ્રયત્ન થયા હોવાનું પણ સામે આવ્યું છે.