– આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપ અને ટીએમસી ધારાસભ્યો વચ્ચે અથડામણ થઈ
કોલકાતા : બંગાળ વિધાનસભામાં મારપીટની ઘટના સામે આવી છે.આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપ અને ટીએમસી ધારાસભ્યો વચ્ચે અથડામણ થઈ હતી.એકબીજા પરના આક્ષેપો વચ્ચે તણાવ એટલો વધી ગયો કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.આ મામલે ભાજપના પાંચ ધારાસભ્યોને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો પણ સમાવેશ થાય છે.
બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર વચ્ચે મારામારી થઈ હતી.જેમાં અસિત મજુમદાર ઘાયલ હોવાનું કહેવાય છે,જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.શુભેન્દુ અધિકારી સહિત ભાજપના પાંચ ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં શુભેન્દુ અધિકારી,મનોજ તિગ્ગા,નરાહરિ મહતો,શંકર ઘોષ,દીપક બર્મનનો સમાવેશ થાય છે.તેમને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના નેતા અમિત માલવિયાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નરક.બંગાળના ગવર્નર બાદ હવે ટીએમસીના ધારાસભ્યોએ ચીફ દંડક મનોજ તિગ્ગા સહિત ભાજપના ધારાસભ્યો પર હુમલો કર્યો છે.કારણ કે તેઓ ગૃહમાં રામપુરહાટ હત્યાકાંડ પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા.મમતા બેનર્જી શું છુપાવવા માગે છે?


