28મી માર્ચ, 2022 સોમવાર અમદાવાદ : પાટીદારોના મત ખોળે કરવા માટે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને પાર્ટીમાં સમાવી લેવા માટે અનેક વખતના પ્રયાસો બાદ પણ હજી નરેશ પટેલનું સ્થાન એકેય પક્ષમાં નક્કી નથી થઈ રહ્યું.ભારે ચર્ચા-અફવાઓ વચ્ચે આજે નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં તેમના રાજકીય સફર અંગેની આધિકારીક જાહેરાત થવાની સંભાવના હતી પરંતુ અંતે આજે પણ આ બેઠક અને પત્રકાર પરિષદનો ફિયાસ્કો થયો છે.
આજની પીસીમાં પટેલે કહ્યું કે ખોડલધામ સમિતિનો રીપોર્ટ તૈયાર થઈ રહ્યો છે.મીડિયા મિત્રો અને એક મોટા વર્ગમાં ચર્ચા અને અનેક પ્રકારની અફવાઓ વહેતી થતા અંતે મારે આ પ્રેસવાર્તાનું આયોજન કરીને તમામ અહેવાલ પર હાલ પુરતું અલ્પવિરામ મુકવાનો આશય હતો.
PC પૂર્વે ટ્રસ્ટની બેઠક :
સોમવારે પ્રેસ કોન્ફરન્સ પહેલા ખોડલધામની બેઠક બોલાવવામાં આવી હતી.ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પ્રમુખના રાજકરણ પ્રવેશ અંગે કહ્યું કે આજે નરેશ પટેલ કોઈ નિર્ણય નહિ લે. ટ્રસ્ટટની કમિટી રચાશે ત્યારબાદ નરેશ પટેલ નિર્ણય લેશે.
નરેશ પટેલે જણાવ્યું કે ટ્રસ્ટની એક સમિતિ ગુજરાતભરમાં સર્વે કરી રહી છે.આ સર્વેના આધારે જ રાજકરણ પ્રવેશ અને કયા પક્ષમાં જોડાવવું કે સ્વતંત્ર પક્ષ બનાવવો તે અંગે નિર્ણય લેવાશે.
પટેલે કહ્યું કે સર્વેમાં યુવાનોનું કહેવું છે કે ખોડલધામમાં ચેરમેનનું રાજીનામુ ગ્રાહ્ય નથી પરંતુ નિયમ પ્રમાણે રાજકરણમાં પ્રવેશતા પૂર્વે રાજીનામું આપવું જરૂરી છે.
સસ્પેન્સ યથાવત :
નરેશ પટેલે કહ્યું કે હજી કોઈ નક્કર નિર્ણય લીધો નથી.તમારા સૌના સવાલોના જવાબ આપવા અને અનેક લોકોની ચિંતા દૂર કરવા મેં આજે પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું છે.હજુ અનેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે.હજુ મને થોડો સમય આપો.કાલથી ફરી હું પ્રવાસે જઈશ.આમ કહી શકાય કે નરેશ પટેલની રાજકીય કારકિર્દીની પ્રવેશ અંગે વધુ એક મુદત પડી શકે છે.આ અંગે ખોડલધામની રાજકીય સમિતિ રિપોર્ટ સોંપ્યા બાદ નરેશ પટેલ નિર્ણય લેશે.


