અમદાવાદ,તા.29 માર્ચ, 2022,મંગળવાર : ભારતમાં કોરોના મહામારી મોડી આવી હતી અને શરૂઆતી તબક્કામાં લોકડાઉનને પગલે ઓછો કહેર વેતર્યો હતો.જોકે કોરોનાની બીજી લહેરે દેશના સામાજિક અને આર્થિક રીતે ખૂબ જ મોટો ઝટકો આપ્યો છે.કોરોનાને કારણે સૌથી વધુ અસર એવિયેશન અને રેસ્ટોરેન્ટ સેક્ટરમાં પડી છે.કોરોના મહામારીનો આ દોઢ વર્ષનો સમયગાળો ભારતના એવિયેશન સેક્ટરની 10% નોકરી ખાઈ ગયો છે.
સરકારે પણ અંતે કબૂલાત કરી છે કે એવિયેશન સેક્ટરને કોરોનાને કારણે મસમોટો ફટકો પડ્યો છે.નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન વી કે સિંહે સોમવારે જણાવ્યું હતું કે COVID-19 મહામારી વચ્ચે એપ્રિલ, 2020થી ડિસેમ્બર,2021 વચ્ચે ભારતીય એવિયેશન ક્ષેત્રે લગભગ 10 ટકા નોકરીઓ ગુમાવવી પડી છે.
વૈશ્વિક મહામારીએ એરલાઇન્સ,એરપોર્ટ,ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને એર કાર્ગો સેક્ટરમાં કુલ 19,200 નોકરીઓની ખોટ સર્જી છે.સિંહે ઉમેર્યું હતું કે આ ક્ષેત્રની કુલ નોકરીઓ લગભગ 1.9 લાખ છે જેની સામે દોઢ જ વર્ષમાં 10 ટકા નોકરીઓનું નુકસાન થયું છે.
રસપ્રદ વાત એ છે કે એપ્રિલ 2020 અને ડિસેમ્બર 2021 વચ્ચે એરલાઇન્સ,એરપોર્ટ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ સાથે કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો હતો જ્યારે એર કાર્ગો કંપનીઓ માટે કામ કરતા કર્મચારી વર્કફોર્સમાં વધારો થયો હતો.
એર કાર્ગો સેક્ટરમાં કર્મચારીઓની કુલ સંખ્યા 31 માર્ચ, 2020ના રોજ આશરે 9600થી વધીને 31 ડિસેમ્બર, 2021 સુધીમાં લગભગ 10,500 થઈ છે.
ભારતમાં એરલાઇન્સ સાથે કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યા 31 માર્ચ, 2020 ના રોજ 74,800 થી ઘટીને 31 ડિસેમ્બર, 2021ના રોજ 65,700 થઈ છે,એમ સિંહે નોંધ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સમગ્ર દેશમાં 100થી વધુ એરપોર્ટનું સંચાલન કરે છે.જો કે,બેંગલુરુ,હૈદરાબાદ,દિલ્હી,મુંબઈ,અમદાવાદ,ગુવાહાટી,જયપુર,લખનૌ,મેંગલુરુ અને તિરુવનંતપુરમ જેવા મોટા એરપોર્ટ ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે.ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓમાં કર્મચારીઓની સંખ્યા એપ્રિલ 2020ના 30,800ના આંકડાથી ઘટીને ડિસેમ્બર 2021માં 27,600 થઈ ગઈ છે.


