આહવા તાલુકાના જાખાના ગ્રામ પંચાયતમાં નાળા બીડિંગની કામગીરીમાં વ્યાપક ગોબચારી

173

સાપુતારા : ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ જાખાના ગ્રામ પંચાયત દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે બની રહેલ નાળા બીડિંગ ની કામગીરીમાં વ્યાપક ગોબચારી આચરાતી હોવાની બુમ ઉઠવા પામી છે.

મળતી માહિતી મુજબ આહવા તાલુકા પંચાયત હસ્તકની જાખાના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વાંગણના માળથી ઝીપરભાઈના ખેતરમાં જતા માર્ગને જોડતા કોતર પર નાળા બીડિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ લાખ્ખો રૂપિયાના ખર્ચે બની રહેલ નાળાની કામગીરીમાં તદ્દન હલકી ગુણવત્તા વાળું મટિરિયલ્સ સાથે પીસીસી કર્યા વગર માત્ર માટીમાં પુરાણ કરી ઉપરછલું નાળા નાખી દેવાયા છે.તદઉપરાંત નાળાની દીવાલ માસ્ક કોન્ક્રીટ ના બદલે મોટા મોટા પથ્થરો નાંખી દઈ ખુલ્લેઆમ ભ્રષ્ટચાર ને અંજામ આપી રહ્યા છે.આહવા તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા હોવા છતાં તેમની જગ્યાએ તેમના પતિદેવ દ્વારા વહીવટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.જેના કારણે આહવા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર બે લગામ બની જવા પામ્યો છે.તો વળી કેટલીક ગ્રામ પંચાયતમાં વિભાજન થતા ત્યાં માત્ર વહીવટદાર દ્વારા કારભાર થતો હોય કોઈપણ પ્રકારની મંજૂરી વગર આડેધડ વિકાસ કામોની લ્હાણી કરાય રહી છે.તેવામાં આહવા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને ફાળવેલ કામોની યોગ્ય સમીક્ષા કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમાં બે મત નથી.

Share Now