ભારતમાં સામાન્ય માણસને દઝાડતી મોંઘવારી : લીંબુ ૩૦૦ને પાર, ભીંડા, શિમલા મરચાં, તુરિયા, લીલા શાકભાજીએ સદી વટાવી

459

– ગુજરાતમાં ગયા વર્ષે આવેલા તોફાન,આ વર્ષે આગઝરતી ગરમી,પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે શાકભાજીના ભાવ વધ્યા

નવી દિલ્હી, તા.9 : દેશમાં મોંઘવારી કુદકે-ભૂસકે વધી રહી છે અને તેનાથી ગૃહિણીઓનું રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.ફળો અને શાકભાજીના વધતા ભાવો સામાન્ય માણસને દઝાડી રહ્યા છે.પહેલાં ખાવાનું તેલ,લોટ,ચોખા વગેરે મોંઘા થયા હતા.હવે લીંબુના ભાવ આકાશને આંબી રહ્યા છે.દિલ્હીના બજારમાં તેના ભાવ રૂ. ૩૦૦ને પાર થઈ ગયા છે.ભીંડા,શિમલા મરચાં,તુરિયા અને દુધી જેવા લીલાક શાકભાજીએ પણ સદી વટાવી છે.મોટાભાગના લોકો લીલા શાકભાજીના બદલે કઠોળ અને દાળ જેવા વિકલ્પો તરફ વળ્યા છે.

દિલ્હીના બજારમાં લીંબુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.દિલ્હીની સ્થાનિક શાકભાજી મંડીમાં છેલ્લા પાંચ દિવસમાં જ તેમાં પ્રતિ કિલો રૂ. ૮૦ સુધીનો વધારો થતો જોવા મળ્યો છે.લીંબુ વેપારીઓનું માનીએ તો લીંબુના ભાવવધારા પાછળનું કારણ ગયા વર્ષે ગુજરાતમાં આવેલું તોફાન છે.તોફાનના કારણે લીંબુડીઓને ભારે નુકસાન થયું હતું અને લીંબુના ફળ ખરી પડયા હતા.વધુમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લીંબુના યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ પણ આ વખતે લીંબુના પાકમાં રસ દાખવ્યો નહોતો.

આઝાદપુર મંડીમાં લીંબુના જથ્થાબંધ વેપારી વરુણ ચૌધરી એન્ડ સન્સે જણાવ્યું હતું કે, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં લીંબુનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.એવામાં ગુજરાતમાં તોફાન અને આંધ્ર પ્રદેશમાં કમોસમી વરસાદે લીંબુના પાક પર અસર કરી છે. હાલ બીજાપુર,ગુડૂર,હૈદરાબાદ,વિજયવાડાથી લીંબુની દરરોજ ૨૫થી ૩૦ ગાડીઓ જ નીકળે છે.ગયા વર્ષે આ સમયે દૈનિક ૧૦૦થી ૧૫૦ ગાડીઓ નીકળતી હતી.

દરમિયાન માર્ચ મહિનામાં ગરમીનો પારો ચઢી ગયો હતો. એપ્રિલની શરૂઆતમાં તો જાણે લૂ જેવી સ્થિતિ સર્જાઈ છે.પરીણામે કેટલાક લીલા શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે.ભિંડા,તુરિયા,શિમલા મરચાં અને લીલા મરચાંના ભાવ પણ રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયા છે.હાલની સિઝનમાં ખૂબ જ વેચાતા પરવર પણ પ્રતિ કિલો રૂ. ૮૦ના ભાવે વેચાઈ રહ્યા છે.ગયા મહિને ટામેટા પ્રતિ કિલો ૨૦થી ૨૫ રૂપિયે વેચાતા હતા.જ્યારે હાલમાં તેનો ભાવ પ્રતિ કિલો રૂ. ૪૦ નજીક પહોંચી ગયો છે.ટામેટાના એક વેપારીએ કહ્યું કે ગરમી વધવાથી ટામેટાની આવક ઘટી ગઈ છે.પરંતુ તેનું વેચાણ વધ્યું છે.લોકો લીલા શાકભાજી ખાય કે કઠોળ ટામેટા તો તેમને જોઈએ છે.નોનવેજ આઈટમમાં પણ ટામેટાની જરૂર પડે છે.બીજીબાજુ ઉત્તરાખંડમાં વેપારીઓ શાકભાજીના ભાવમાં વધારાનું કારણ મોંઘું ઈધણ ગણાવી રહ્યા છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં ડીઝલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે.પરીણામે ટ્રાન્સપોર્ટેશન પર તેની સીધી અસર પડે છે.તેથી ફળ અને શાકભાજીના ભાવ પણ વધ્યા છે.

Share Now