સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ સામેના કેસની તપાસ CBIએ શરૃ કરી

155

– રાજ્ય સરકાર આદેશ સામે રિવ્યુ પિટીશન દાખલ કરશે

મુંબઈ : શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ સામે કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પાંચ કેસોની તપાસ સીબીઆઈએ મહારાષ્ટ્ર પોલીસ પાસેથી પોતાના હસ્તક લઈ લીધી છે.સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે સેન્ટ્રલ એજન્સીની વિશેષ ક્રાઈમ યુનિટે મંગળવારે મોડી રાતે કેસોની નોંધણી કરી હતી.દરમ્યાન સિંહ સામેના બધા કેસો સીબીઆઈને સોંપવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે રાજ્ય સરકાર રિવ્યુ પિટિશન કરવા જઈ રહી છે.આ પાંચેય કેસ થાણે અને મુંબઈમાં નોંધાયા હતા અને હવે સીબીઆઈએ પોતાની પ્રક્રિયા અનુસાર પોતાના કેસ તરીકે ફરી નોંધણી કરી છે.

કેસની તપાસમાંથી અમુક આરોપીઓના નામ રદ કરવાના સિંહના મૌખિક ગેરકાયદે સૂચનોનું પાલન નહીં કરવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી સહિતના વિવિધ આરોપો સંબંધી કેસો છે.બારના પાર્ટનર પાસેથી પોલીસ ઈન્સ્પેક્ટર સાથે મળીને રૃ. નવ લાખ અને રૃ. ૨.૯૨ લાખનો મોબાઈલ ફોન પડાવવાનો પણ આરોપ છે.આ ઉપરાંત ત્રણ બિલ્ડરો પાસેથી કરોડોની રકમ પડાવવાનો આરોપ છે.સુપ્રીમ કોર્ટે ૨૪ માર્ચે સિંહ સામેના તમામ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે સઘન તપાસ જરૃરી છે. જેથી રાજ્યની પોલીસમાં લોકોનો વિશ્વાસ ટકી રહે.સિંહના સસ્પેન્શનને પાછું ખેંચવાનો પણ કોર્ટે ઈનકાર કરીને ભવિષ્યના બધા કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ અપાયો હતો.

Share Now