નવી દિલ્હી, તા. ૧૪: કર્ણાટક સરકારના પ્રધાન કે એસ ઇશ્વરપ્પા હાલમાં ચર્ચામાં છે. તેમના પર કોન્ટ્રાકટર સંતોષ પાટિલને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ કેસમાં ઇશ્વરપ્પા વિરુદ્ધ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે.આ દરમિયાન સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ ઇશ્વરપ્પા આવતીકાલે પોતાના પદેથી રાજીનામું આપી દેશે.તેઓ મુખ્યપ્રધાન બોમ્બઇને રાજીનામું સુપ્રત કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઇશ્વરપ્પાએ ગુરૃવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટર સંતોષ પાટિલ સોમવારે ઉદિપીની એક લોજમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં.તેમણે પોતાના મોત માટે પ્રધાન ઇશ્વરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર મોતના થોડાક દિવસ પહેલા સંતોષ પાટિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે ઇશ્વરપ્પા મારી પાસેથી કામના બદલામાં ૪૦ ટકા કમિશનની માગ કરી રહ્યાં છે.જો કે પ્રધાને આ આરોપોને ફગાવી દીધા હતાં. કે એસ ઇશ્વરપ્પાની ગણતરી કર્ણાટક ભાજપના મોટા નેતાઓમાં થાય છે.
ઇશ્વરપ્પા હાલમાં કર્ણાટક સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન છે.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઇશ્વરપ્પાએ જ તત્કાલીન મુખ્યપ્રધાન યેદિયુરપ્પા પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા હતાં.તેમણે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ યેદિયુરપ્પાને હટાવવાની માગ કરી હતી અને જણાવ્યું હતું કે જો યેદિયુરપ્પા મુખ્યપ્રધાન રહેશે તો આગામી ચૂંટણી જીતી શકાશે નહીં.ત્યારબાદ ઇશ્વરપ્પા અન્ય ધારાસભ્યો પણ જોડાઇ ગયા હતાં. જેના પગલે યેદિયુરપ્પાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.આ અગા પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને કોંગ્રેસના મહા સચિવ રણદીપ સિંહ સૂરજેવાલા તથા કોંગ્રેસના અન્ય ટોચના નેતાઓએ ઇશ્વરપ્પાની ધરપકડ કરવા અને કેબિનેટમાંથી તેમને દૂર કરવાની માગ સાથે મુખ્યપ્રધાન બોમ્માઇના નિવાસસ્થાન સુધી માર્ચ કરી હતી.તેમને આગળ જતા અટકાવવા માટે તેમની અટકાયત કરવામાં આવી હતી.


