જામનગર તા 15 એપ્રિલ 2022,શુક્રવાર: જામનગરમાં નવાગામ ઘેડમાં બે રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા અને રાત્રીના સમયે બંને રહેણાંક મકાનમાંથી ત્રણ નંગ મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી એક શકમંદને ઉઠાવી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ચેતન રામકિશન કુશવાહા નામના પરપ્રાંતીય યુવાનના ભાડાના મકાનમાં ગઈ રાત્રિ દરમિયાન કોઇ તસ્કર ઘૂસ્યો હતો અને મકાનમાંથી જુદા જુદા બે મોબાઇલ ફોન ચોરી કરી લઇ ગયા હતા.ઉપરાંત બાજુમાં આવેલા પાડોશીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી વધુ એક મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી.જે ત્રણેય રૂપિયા34500ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી અંગે ચેતન કુશવાહાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી અને એક શકમંદને ઉઠાવી લીધો છે તેની પૂછપરછ લાવવામાં આવી રહી છે.


