દિલ્હીની વાત : માંઝીનાં ભગવાન રામ વિશેનાં નિવેદનોથી આક્રોશ

118

નવીદિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ફરી ભગવાન રામના અસ્તિત્વ સામે સવાલ કરીને ભાજપની હાલત કફોડી કરી નાંખી છે. જમુઈમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, રામ ભગવાન નહોતા હતા પણ તુલસીદાસ અને વાલ્મીકિ રામાયણના પાત્ર હતા. રામાયણમાં ઘણી સારી વાતો લખવામાં આવી છે એ અમે સ્વીકારીએ છીએ પણ ભગવાન રામને માનતા નથી. માંઝીએ દલિતોને પૂજા કરવાનું બંધ કરવાની હાકલ કરીને કહ્યું કે, પૂજા-પાઠ કરવાથી કોઈ મોટું નથી થતું. માંઝીએ કટાક્ષ કર્યો કે, રામે શબરીનાં એઠાં બોર ખાધાં હતા પણ અમારે ત્યાં કોઈ સામાન્ય ભોજન પણ જમીને બતાવે. માંઝીના નિવેદનોના પગલે સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે, ભગવાન રામના અસ્તિત્વને નકારનારા સાથે જોડાણ ચાલુ રાખીને ભાજપ શું સાબિત કરી રહ્યો છે ? ભાજપના નેતા માંઝીનાં નિવેદન સાથે સંમત છે કે શું ? માંઝીનાં નિવેદનો સામે ભાજપમાં પણ આક્રોશ છે. ભાજપના નેતા માંઝીને એનડીએમાંથી દૂર કરવા જોઈએ એવી માંગણી કરી રહ્યા છે.
મંત્રીનો અઝાન વિરોધી અભિયાનને ટેકો.
મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર પોકારાતી અઝાનને મુદ્દે ભાજપ ચૂપ છે પણ સરકારના મંત્રી સંજીવ બલિયાને આડકતરી રીતે અઝાનનો વિરોધ કરતાં ભાજપ આ મુદ્દે રાજ ઠાકરેને ટેકો આપી રહ્યો છે કે શું એવી ચર્ચા શરૂ થઈ છે. બહરાઇચમાં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું કે, કોર્ટે અવાજ પ્રદૂષણ અંગે ડેસિબલ સ્કેલ પહેલેથી જ નક્કી કરી દીધા છે. આપણે બધાંએ કાયદાનું પાલન કરવું જોઈએ અને મંદિર હોય કે મસ્જિદ, ધ્વનિ પ્રદૂષણ વધારે ન હોવું જોઈએ. યોગી સરકારના સહકાર મંત્રી જેપીએસ રાઠોડે પણ આ વિવાદમાં ઝંપલાવીને અઝાનના સમયે હનુમાન ચાલીસા વાંચવાના વિવાદ માટે જૂની સરકારોને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે આ સમસ્યા હિંદુઓનાં ધાર્મિક કાર્યક્રમોમાં ડીજે પર પ્રતિબંધ મૂકનારા રાજકીય પક્ષોએ ઊભી કરી છે. ભાજપ બલિયાનનું નિવેદન કોઈ ચોકક્સ સમુદાયનાં લોકોની વિરૂધ્ધ હોવાનો ઈન્કાર કરી રહ્યો છે. ભાજપનું કહેવું છે કે, બલિયાને કોર્ટના આદેશ અને કાનૂની જોગવાઈની જ વાત કરી છે કે જે તમામ લોકોને લાગુ પડે છે.
મૌલવીઓનાં વિરોધી નિવેદનો અખિલેશને ફળશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારના પગલે સમાજવાદી પાર્ટી સામે મુસ્લિમ નેતાઓ સ્પષ્ટ નારાજગી દર્શાવી રહ્યા છે. આ લિસ્ટમાં ઓલ ઈન્ડિયા તનઝીમ ઉલેમા-એ-ઈસ્લામના મહામંત્રી મૌલાના શહાબુદ્દીન રિઝવીનું નામ ઉમેરાયું છે. રિઝવીએ યુપીના મુસ્લિમોને સપા સિવાય અન્ય વિકલ્પો પર વિચાર કરવાની સલાહ આપી છે. રીઝવીએ અખિલેશ મુસ્લિમોને નફરત કરે છે એવો આક્ષેપ મૂકીને કહ્યું કે કહ્યું કે, મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવની સપામાં મોટો ફરક છે. અખિલેશ યાદવ દાઢી અને ટોપીવાળા મુસ્લિમોને મળવાનું ટાળતા જ નથી પણ નફરત પણ કરે છે. રિઝવીએ મુસ્લિમોને એક પક્ષ સાથે જોડાઈ રહેવાના બદલે નવી રણનીતિ બનાવવાની સલાહ પણ આપી. આડકતરી રીતે ભાજપ સામે નહીં બોલવાની સલાહ આપીને કહ્યું કે, મુસ્લિમોએ ચોક્કસ પક્ષ સામે અવાજ ઉઠાવીને દુશ્મની ન વહોરવી જોઈએ. રિઝવીનો યુપીમાં મુસ્લિમો પર રાજકીય પ્રભાવ નથી તેથી તેમની વાતની કેટલી અસર થશે એ સવાલ છે પણ વિશ્લેષકોના મતે, રિઝવીની વાતો અખિલેશની મુસ્લિમ તરફી ઈમેજને સુધારીને રાજકીય ફાયદો કરાવવામાં મદદરૂપ થાય એવી છે.
દેશમાં ફરી વીજળી સંકટનાં એંધાણ.
કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે તેથી વીજળીની માંગ વધતાં દેશમાં વીજળી સંકટનું જોખમ ઉભું થવાની વાતો પણ વહેતી થઈ છે. કોલસાનો પૂરતો જથ્થો નહીં હોવાથી વીજળીનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પણ અસર થશે એવી ધારણા છે. સૂત્રોના મતે, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વિજળીનું ઉત્પાદન ઘટતાં સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. મોટા ભાગનાં રાજ્યોમાં મહત્તમ દસેક દિવસ ચાલે એટલો કોલસો જ બચ્યો છે. જો કે સરકારનાં સૂત્રો આ વાતોને ગંભીરતાથી નહીં લેવા કહી રહ્યાં છે. તેમનો દાવો છે કે, વીજળીની વધતી માંગના કારણે દેશમાં બિન-ઇલેક્ટ્રીક ક્ષેત્રમાં કોલસાનો પુરવઠો આપવાનો ઓછો કરી દેવામાં આવ્યો છે. દેશમાં થતા કુલ કોલસા ઉત્પાદનમાં ૮૦ ટકા હિસ્સો કોલ ઈન્ડિયાનો છે. કોલ ઈન્ડિયાએ ચાલુ નાણાંકીય વર્ષમાં ૫૬.૫૦ કરોડ ટન કોલસાના ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યો છે. વિજ મંત્રાલયે કોલસાની આયાત વધારીને ૩.૬૦ કરોડ ટન કરી દેવાઈ છે તેથી તકલીફ નહી પડે.
જેએનયુની બહાર ભગવાં પોસ્ટર્સથી તણાવ.
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર હિન્દુ સેનાના પોસ્ટર લગાવવામાં આવતાં તણાવનો માહોલ થઈ ગયો છે. પોસ્ટરોમાં ભગવા રંગમાં જેએનયુ લખાયેલું છે. જેએનયુ કેમ્પસની આસપાસ ઠેર ઠેર ભગવા ઝંડા પણ લગાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને એબીવીપી વચ્ચે રામનવમીના દિવસે માંસાહારી ભોજન પિરસવાના મુદ્દે કેમ્પસમાં હિંસક અથડામણ થઈ હતી. તેના કારણે તણાવ છે જ ત્યાં ભગવાં પોસ્ટરોના કારણે તણાવ વધ્યો છે. સૂત્રોના મતે, જેએનયુ મેનેજમેન્ટે માંસાહાર બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે તેથી ઉશ્કેરણીના નવા પ્રયાસ તરીકે પોસ્ટર્સ લગાવાયાં છે. જેએનયુનાં કુલપતિ શાંતિશ્રી ધુલિપુડી પંડિતે સાફ શબ્દોમાં કહ્યું છે કે, જેએનયુ કોઈને પણ કેવો ખોરાક લેવો તેની ફરજ પાડતી નથી. વિદ્યાર્થી માટે કોઈપણ પ્રકારની ખોરાકની પસંદગી વ્યક્તિગત અધિકાર અને મૂળભૂત અધિકાર છે ને તેમાં જેએનયુ કોઈ હસ્તક્ષેપ નથી કરતી. આ સ્પષ્ટતાના પગલે હિંદુવાદી સંગઠનોમાં નારાજગી છે તેથી પોસ્ટર્સ લગવાયાં છે. તેમના મતે, જેએનયુ હિંદુ સંસ્કૃતિની વિરૂધ્ધની વાતોને પ્રોત્સાહન આપી રહી છે.
કોરોના વધતાં ફરી નિયંત્રણો લાદવા સલાહ.
દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટમાં ફરી જોરદાર ઉછાળો આવતાં નવેસરથી પ્રતિબંધો લાદવાન વિચારણા શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકારે પણ દિલ્હીને માસ્ક સહિતનાં નિયંત્રણો ફરી લગાવવા સલાહ આપી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત જે વિસ્તારોમાં સંક્રમણ વધારે છે ત્યાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને આકરાં નિયંત્રણો લગાવવા પણ કેન્દ્રે કહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ૧૩ એપ્રિલે દિલ્હીમાં કોરોનાના ૨૯૯ નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણ દર ૨.૪૯ ટકા થઇ ગયો. કોરોનાના કોઇપણ દર્દીનું મોત થયું નથી પણ કોરોનાના કેસો વધે તો સ્થિતી વણસી શકે એવી ચેતવણી અપાઈ જ રહી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, ગંભીર બાબત એ છે કે, કેટલીક સ્કૂલોમાં બાળકો અને શિક્ષકો કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલો બંધ કરી દેવી પડી છે. તાજેતરમાં જ કેન્દ્રીય આરોગ્ય સચિવે એક પત્ર લખીને રાજ્ય સરકારોને ચેતવણી આપી હતી. સાથે સાથે સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં લેવાની પણ સલાહ આપી હતી. દિલ્હી ઉપરાંત કેરલ, મહારાષ્ટ્ર, મિઝોરમ અને હરિયાણા સરકારને કેન્દ્ર દ્વારા આ પત્ર લખાયો હતો.
મધ્યપ્રદેશ કોંગ્રેસે પ્રોટોકોલ તોડવા છતાં મોવડી મંડળ ચૂપ કેમ.
મધ્યપ્રદેશ કોંગ્રેસે ગત સપ્તાહે ૨૦૨૩ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કમલ નાથ રહેનાર હોવાનું જાહેર કરતા પક્ષનું મોવડી મંડળ ધર્મસંકટમાં મૂકાયું છે. કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય નેતાઓએ કહ્યું કે નાથની ઉમેદવારી વિષે એમની સાથે ચર્ચા કરવામાં આવી નથી, જ્યારે અન્ય નેતાઓએ કહ્યું કે સોનિયા ગાંધી છેવટનો નિર્ણય લેશે. મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કરવાના નિર્ણય સામાન્યપણે ગાંધી કુટુંબ દ્વારા લેવાતા હોય છે. મધ્યપ્રદેશના નેતાઓએ કરેલી ઘોષણાને ગાંધી કુટુંબની સત્તાને નગણ્ય માનવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહી છે. કેન્દ્રીય નેતાગીરીએ હજી સુધી આ મુદ્દે મગનું નામ મરી પાડયું નથી, કદાચ કમલનાથ સાથેના એના સંબંધોના લીધે. ૭૫ વર્ષના નાથ, ગાંધી કુટુંબ અને કોંગ્રેસના જી-૨૧ (મૂળભૂતપણે જી-૨૩) જૂથ વચ્ચેની કડીરૂપ કામ કરતા રહ્યા છે.
માર્કસવાદીઓએ પીડિતાની અંતિમવિધિની ગોઠવણ કરી.
પશ્ચિમ બંગાળના નાડિઆ જિલ્લાના હંસખલિના કમનસીબ માતા-પિતાએ રાજ્યના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા સમર ગયાલિના પુત્ર સોહેલ અને એના સાગરિતો દ્વારા ૪ એપ્રિલે જેના પર ગેંગરેપ થયો એવી ૧૪ વર્ષની પુત્રી ગુમાવી. ધોરણ-૯ની આ સદ્ગત વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કારની ધાર્મિકવિધિ માટે બ્રાહ્મણોએ ના પાડી દીધી એ વધુ વેદનામય બની રહ્યું. જો કે પછી અકલ્પ્ય સ્થળેથી મદદ આવી મળી.
સામાન્યપણે ધાર્મિક બાબતોથી અળગા રહેતા રાજ્યના સામ્યવાદી માર્કસવાદી પક્ષે એક બ્રાહ્મણની વ્યવસ્થા કરી આપી, જેણે હતભાગી સગીરાની શ્રધ્ધાવિધિ (અંતિમ સંસ્કાર) પાર પાડી. સગીરાના માતા-પિતાના મતાનુસાર કેટલાક બ્રાહ્મણોએ પુત્રીની વિધિમાં ડરના માર્યા, સંકળાવાની ના પાડી દીધી. કેટલાક બ્રાહ્મણ અગાઉ તૈયાર થયા પછી ગુરૂવાર સવારે પીછેહઠ કરી ગયા, એમ વ્યથિત માતા-પિતાએ ઉમેર્યું.
-ઇન્દર સાહની

Share Now