નવી દિલ્હી, તા.૧૫ : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ અને રશિયા પાસેથી શસ્ત્રો અને ક્રૂડની ખરીદી સામે અમેરિકાની ચેતવણી છતાં ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલિવરી મેળવવાનું ચાલુ રાખ્યું છે.જોકે, રશિયાએ શસ્ત્રોની ડિલિવરી સામે ચૂકવણી કેવી રીતે કરાશે તે ભારત સરકાર માટે હજુ સમસ્યારૂપ બાબત છે.સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની બીજી રેજિમેન્ટના કેટલાક હિસ્સા ભારત પહોંચી ગયા છે અને આ મહિનાના અંત સુધીમાં આખી રેજિમેન્ટ ભારત પહોંચી જશે.એસ-૪૦૦ની પહેલી રેજિમેન્ટની ડિલિવરી ડિસેમ્બર ૨૦૨૧માં કરાઈ હતી અને બીજી રેજિમેન્ટની ડિલિવરી આ જૂન સુધીમાં ભારત પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.એવામાં યુક્રેન સાથે યુદ્ધના પગલે રશિયા દ્વારા એસ-૪૦૦ની બીજી રેજિમેન્ટની ડિલિવરી અંગે શંકા સેવાતી હતી. જોકે, રશિયાએ નિશ્ચિત સમય કરતાં વહેલા એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની બીજી રેજિમેન્ટની ડિલિવરી કરીને ભારતને મોટો સંદેશ આપ્યો છે તેમ સંરક્ષણ નિષ્ણાતોએ કહ્યું હતું. ભારતે પણ અમેરિકાના તિવ્ર દબાણ છતાં રશિયા પાસેથી શસ્ત્રો અને ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી છે.કેટલાક અહેવાલો મુજબ અમેરિકા ભારત પર પ્રતિબંધો મૂકવા પણ વિચારણા કરી રહ્યું છે.સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની બીજી રેજિમેન્ટ એક પ્રશિક્ષણ સ્ક્વોડ્રન છે.તેમાં મિસાઈલ અથવા લોન્ચરનો સમાવેશ થતો નથી.તેમાં સિમ્યુલેટર અને પ્રશિક્ષણ સંબંધિત અન્ય ઉપકરણો સામેલ છે.યુક્રેનમાં ચાલતા યુદ્ધ છતાં રશિયાએ ભારતને એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમના ઉપકરણોની ડિલિવરી ચાલુ રાખી છે.તાજેતરમાં જ ભારતીય સંરક્ષણ દળોને રશિયા પાસેથી વિમાનોના એન્જિન અને પાર્ટ્સની શિપમેન્ટ મળી હતી. જોકે,રશિયા પર વૈશ્વિક આર્થિક પ્રતિબંધોના કારણે ભારત રશિયાને ચૂકવણી કેવી રીતે કરશે તે સમસ્યારૂપ બાબત છે.રશિયા અને ભારતે હજુ સુધી આ અંગે કોઈ નક્કર સમાધાન કાઢ્યું નથી.સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ એસ-૪૦૦ની બીજી રેજિમેન્ટ ભારત પહોંચવાની સાથે તેને પૂર્વોત્તર ભારતમાં ચીન સરહદ પાસે તૈનાત કરવામાં આવે તેવી સંભાવના છે.એસ-૪૦૦ની બીજી રેજિમેન્ટની ડિલિવરી સાથે ભારતની પાકિસ્તાન તરફે ઉત્તર-પશ્ચિમની સાથે ચીન સાથેની સરહદે હવાઈ સંરક્ષણ સંપૂર્ણપણે અભેદ્ય થઈ જશે.ભારતે ઑક્ટોબર ૨૦૧૮માં રશિયા સાથે પાંચ અબજ ડોલરના કોન્ટ્રાક્ટ મારફત પાંચ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે.આ ડિફેન્સ સિસ્ટમ ચીન અથવા પાકિસ્તાની ફાઈટરના જોખમોને ટ્રેક કરવા, ગુંચવવા અને તેનો સામનો કરવા સક્ષમ છે.આ સિસ્ટમ અનેક સ્તર પર અનેક લક્ષ્યને ટ્રેક કરી શકે છે અને તેને એક સાથે અસરહીન કરી શકે છે.ભારતના પૂર્વોત્તર રાજ્યો સિક્કિમમાં પાતળા સિલિગુડી કોરીડોરથી દેશના અન્ય ભાગ સાથે જોડાયેલા છે. અહીંથી ચીનની ચુંબી વેલી વધુ દૂર નથી.તેથી આ ચિકન નેક ભારતની સુરક્ષાની સૌથી નબળી કડી છે.વર્ષ ૨૦૧૭માં ચીને ભૂતાનના ડોકલામ વિસ્તારમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે અટકાવી દીધો હતો. જોકે,અહેવાલો મુજબ ચીન આ વિસ્તારમાં ફરીથી તેની તાકત મજબૂત કરી રહ્યું છે અને અહીંથી હવાઈ હુમલાનું જોખમ હંમેશા રહેશે.

