સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં પાણી પુરવઠો પુરો પાડતી લાઈનમાં ખરાબી સર્જાતા છેલ્લા ત્રણેક દિવસથી પાણી સપ્લાય થઇ શક્યુ નથી.જેથી નગરજનોને પાણી માટે વલખા મારવા પડી રહયા છે.એવામાં નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૩ના મફતીયાપરા વિસ્તારમાં પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યુ હતું.ત્યારે સ્થાનિક રહીશો અને આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ ટેન્કરને અટકાવ્યુ હતુ અને ભારે હોબાળો મચાવી સુધરાઈ સભ્ય રમેશભાઈ પ્રજાપતિને અટકાવી તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે મળતીયા અને સ્વજનો માટે રાતના સમયે પાણી સપ્લાય કરાઇ રહ્યું છે.ભારે હોબાળો થતા રહીશોનું ટોળુ એકત્ર થઈ ગયુ હતુ.આક્ષેપ કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા.આ બાબતની જાણ થતા પોલીસે આખરે સમજાવટ કરીને મામલો થાળે પાડયો હતો.


