કીવ, તા. ૧૬ : યુક્રેન પર ગણતરીના દિવસોમાં કબજો કરી લેવાના આશયથી રશિયાએ પડોશી દેશ પર આક્રમણ કર્યું હતું.પરંતુ આ યુદ્ધ સતત લંબાઈ રહ્યું છે.રશિયન વિસ્તારોમાં યુક્રેનના હુમલાથી નારાજ અને કાળા સમુદ્રમાં તેના ફ્લેગશિપ ગાઈડેડ મિસાઈલ ક્રુઝર મોસ્કવાની જળસમાધી પછી મોસ્કોએ કીવ પર નવેસરથી મિસાઈલ હુમલા વધાર્યા છે અને વધુ આઠ શહેરો પર હુમલા શરૂ કર્યા છે.બીજીબાજુ યુક્રેનની રાજધાની કીવમાં ૯૦૦થી વધુ નાગરિકોના મૃતદેહો મળી આવ્યા હોવાનો અને તેમાંથી ૯૫ ટકાના મોત ગોળી મારવાથી થયા હોવાનો યુક્રેને દાવો કર્યો છે.તેમણે નાગરિકોના મોતને રશિયાનો નરસંહાર ગણાવ્યો છે.રશિયાએ બ્રિટનના પીએમ, ભારતીય મૂળના નાણામંત્રી રિશુ સુનાક અને ગૃહમંત્રી પ્રિતિ પટેલ સહિત અનેક નેતાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.યુક્રેન પર રશિયાના આક્રમણનો શનિવારે બાવનો દિવસ છે ત્યારે રશિયન સૈન્યે પૂર્વીય યુક્રેનમાં નવેસરથી હુમલાની તૈયારી કરી છે અને દક્ષિણી પોર્ટ સિટી મારિયુપોલમાં પણ હુમલા વધાર્યા છે.તેનું ફ્લેગશિપ જહાજ મોસ્કવા ડૂબી ગયા પછી યુક્રેન પર આક્રમણ વધારવાની મોસ્કોની ધમકીના બીજા દિવસે રશિયાએ શનિવારે કીવ પર હવાઈ હુમલો કર્યો હતો અને વિશ્નેવેમાં રોકેટ બનાવતી સૈન્ય ફેક્ટરી ઉડાવી દીધી હતી.વિઝાર ઝુલિયન્સ્કી મશીન બિલ્ડિંગ પ્લાન્ટ કથિત રીતે લાંબા અંતર માટે એન્ટી-શિપ નેપ્ચ્યુન રોકેટ માટે કોમ્પોનન્ટ બનાવતું હતું.રશિયન જહાજ મોસક્વાને ડૂબાડવામાં નેપ્ચ્યુન મિસાઈલની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે.યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ એક વીડિયો જાહેર કરીને રશિયન સૈનિકો પર દક્ષિણમાં ખેરસોન અને ઝાપોરિજ્જિયા ક્ષેત્રોના કેટલાક ભાગો પર કબજો કરવાના પ્રયાસનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, આક્રમણકારીઓને લાગે છે કે તેમના માટે યુક્રેનના વિસ્તારો પર નિયંત્રણ મેળવવું સરળ છે.પરંતુ રશિયાની સમસ્યા એ છે કે યુક્રેનના લોકો તેમને સ્વીકારતા નથી અને ક્યારેય તેમને સ્વીકારશે નહીં.દરમિયાન કાળા સમુદ્રમાં તેનું ફ્લેગશિપ જહાજ તૂટી પડતા રઘવાયા બનેલા રશિયાએ યુક્રેનના વધુ આઠ શહેરો પર હુમલા વધાર્યા છે, જેમાં પોલ્ટવા, કિરોવોહરાડ, ડીનિપ્રોપેટ્રોવસ્ક, મિકોલૈવ ઓબ્લાસ્ટનો સમાવેશ થાય છે.ઉપરાંત રશિયાએ ખેરસોન, ખારકીવ, લુહાન્સ્ક અને ડોનેત્સ્ક ઓબ્લાસ્ટમાં બોમ્બાર્ડિંગ વધાર્યું છે.દરમિયાન પ્રતિબંધો અંગે ટીટ-ફોર-ટેટ નીતિ અંગે રશિયાએ શનિવારે જણાવ્યું હતું કે તેણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સહન અને ભારતીય મૂળના નાણામંત્રી રિશી સુનાક તથા ગૃહમંત્રી પ્રીતિ પટેલ સહિત ૧૩ નેતાઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં પ્રતિબંધિત બ્રિટિશ રાજકારણીઓ અને સાંસદોની યાદીમાં વધારો થઈ શકે છે.આ સિવાય યુક્રેનને પશ્ચિમી દેશોની યુદ્ધ સહાય અંગે રશિયાએ હવે આકરું વલણ અપનાવ્યું છે.તેણે અમેરિકા અને નાટોને ચેતવણી આપતા કહ્યું છે કે તેમના તરફથી યુક્રેનને હથિયારોની સપ્લાય કરાશે તો તેના ગંભીર પરિણામો આવશે.

