બારડોલી
સુરત જિલ્લામાં કોરોના વાઇરસને લઈને દહેશતનો માહોલ છે. ખાસ કરીને બારડોલી કામરેજ અને પલસાણા તાલુકાઓમાં એન.આર.આઈ.ઓની સંખ્યા વધારે હોય લોકો માટે ચિંતાનો વિષય છે ત્યારે હાલમાં વિદેશથી આવેલા 66 જેટલા લોકોને ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં હાલ એક પણ કેસ પોઝીટીવ ન હોય વહીવટીતંત્ર માટે રાહતના સમાચાર છે. જો કે સાવચેતીના ભાગ રૂપે તંત્રએ હોમ કવોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ દર્દીઓને બહાર નહિ નીકળવા સૂચના આપી છે.
જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વિદેશથી આવેલા લોકોને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા કેસોમાં મોટા ભાગે વિદેશથી આવેલા લોકોનો સમાવેશ થતો હોય ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 3, બારડોલીમાં 14, કામરેજમાં 15, પલસાણામાં 7, ચોર્યાસીમાં 11, માંગરોળમાં 12 ઓલપાડમાં 2 અને મહુવામાં 2 જણાને કવોરોન્ટાઇન રૂમમાં રાખવામાં આવ્યા છે. જો કે હાલ જિલ્લામાં કોઈ પોઝીટીવ કેસ જોવામાં આવ્યો નથી. બારડોલીના ડીવાયએસપી રૂપલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, કવોરોન્ટાઇન કરવામાં આવેલ દર્દીઓ જો બહાર જાહેરમાં દેખા દેશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 4 થી વધુ વ્યક્તિઓ ભેગા થશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ તંત્રએ 1000 કવોરોન્ટાઇન રૂમ તૈયાર રાખ્યા હોવાનો દાવો કર્યો છે ત્યારે વણસી રહેલી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર વધુ કમર કસવી પડે તો નવાઈ નહીં.
સુરત ગ્રામ્યમાં 66 લોકો કવોરોન્ટાઇન

Leave a Comment

