અમરનાથ યાત્રા માટે એનડીઆરએફ, એસડીઆરએફના જવાનોને વિશેષ તાલીમ

146

બે વર્ષના વિરામ બાદ આગામી ૩૦મી જૂનથી અમરનાથ યાત્રા શરૃ થશે.અમરનાથ યાત્રા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવશે.માઉન્ટેઈન રેસ્ક્યૂ ટીમ સાથે મળીને આ એજન્સીઓના જવાનો કામ કરશે.અર્ધ લશ્કરી દળોની ૪૦ ટૂકડી યાત્રાળુઓની સુરક્ષામાં તૈનાત રહેશે.બે વર્ષ પછી અમરનાથ યાત્રા ફરીથી શરૃ થવા જઈ રહી છે. તેને પગલે સરકારી તંત્રએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ શ્રીનગરમાં અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.એમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ૪૦ બટાલિયન તૈનાત કરવાનું નક્કી થયું હતું.ચાર કંપનીઓ જમ્મુ-કાશ્મીર પહોંચી ચૂકી છે.આતંકવાદી હુમલાની દહેશત હોવાથી યાત્રાળુઓને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.આગામી ૨૫મી મે સુધી લશ્કરી ટૂકડીઓ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાના રૃટ પર તૈનાત થશે.

તે સિવાય સંભવિત દુર્ઘટનાને ધ્યાનમાં લઈને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ખાસ માઉન્ટેઈન રેસ્ક્યૂની તાલીમ અપાશે.માઉન્ટેઈન રેસ્કયૂ ટીમ સાથે મળીને આ બચાવ ટૂકડીઓ બચાવકામગીરી માટે તૈનાત રહેશે.જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં તેમને તાલીમ અપાશે.માઉન્ટેઈન રેસ્ક્યૂ ટીમના ઈન્સ્પેક્ટર રામ સિંહે જણાવ્યું હતું કે અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફના ૭૦ જવાનોને તાલીમ મળી રહી છે.૧૫ દિવસની આ તાલીમ દરમિયાન પહાડીઓમાં ફસાયેલા લોકોને કેવી રીતે બહાર કાઢી શકાય તે શીખવાડાશે.એનડીઆરએફના જવાનોને પ્રથમ વખત માઉન્ટેઈન રેસ્ક્યૂની તાલીમ મળી રહી છે.જમ્મુ-કાશ્મીર પોલીસના ૧૨૦૦ જવાનોને માઉન્ટેઈન રેસ્ક્યૂની તાલીમ અપાઈ ચૂકી છે.બરફમાં ફસાયા હોય કે તે સિવાયની કોઈ સ્થિતિ સર્જાય તો હેમખેમ બહાર કાઢવા માટે આ જવાનો સજ્જ છે.તે ઉપરાંત એસડીઆરએફના ૨૦૦ જવાનોને અને એનડીઆરએફના ૨૪૦ જવાનોને એ તાલીમ આપવામાં આવશે.

Share Now