કોરોના વાયરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસે અત્યાર સુધી વૈશ્વિક સ્તરે હજારો લોકોના જીવ લીધા છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. તેથી પીએમ મોદીએ બે દિવસ પહેલા દેશને સંબોધિત કરતા સમયે આજે એટલે કે 22 માર્ચ, રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ‘કરફ્યૂ’ની જાહેરાત કરી હતી.
આ ‘જનતા કરફ્યૂ’ હેઠળ દેશની જનતાએ કોઇ પણ બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. ઉપરાંત આજના દિવસે મોટા ભાગે સેવાઓ પણ બંધ રહેશે. જો કે, હેલ્થ અને ઇમરજન્સી સર્વિસિઝ પહેલાની જેમ જ કામ કરશે. ‘કરફ્યૂ’ના રોજ મોલ્સ, દુકાનો, ટ્રેન, મેટ્રો સર્વિસિઝ, હવાઈ યાત્રા, સરકારી બસો, કેબ અને ઓટો સર્વિસ, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે બંધ રહેશે. જો કે, આ વચ્ચે ખાનગી સંસ્થાઓ અને કારખાનાઓના કર્મચારીઓને લઈ મહત્વની માહિતી સામે આવી છે.
માહિતી મુજબ કોરોનાને પગલે ખાનગી સંસ્થાઓ અને કારખાનાઓ માટે ગાઇડલાઇન જાહેર કરાઈ છે. જેમાં કહ્યું છે કે કોરોના વાયરસના કારણે ગેરહાજર કર્મચારીઓના પગાર નહીં કાપી શકાય. ઉપરાંત, કર્મચારીઓની છટણી પણ કરી શકાશે નહીં. આ સિવાય કર્મચારીઓના પગારમાં ઘટાડો પણ નહીં કરી શકાય. જ્યારે શક્ય હોય તેટલા કર્મચારીઓ ઘરેથી કામ કરે એવી વ્યવસ્થા કરવી. જો, એકમ બંધ કરવાની ફરજ પડે તો કર્મચારીઓને હાજર ગણી પગાર આપવાનો રહેશે. માહિતી પ્રમાણે રાજ્યના શ્રમ આયુક્તની કચેરી દ્વારા આ આદેશ કરાયા છે.