લાંચના કેસોમાં મહેસૂલ વિભાગ, લાંચની રકમની રીતે પોલીસ વિભાગ સૌથી મોખરે

149

મુંબઈ : રાજ્યમાં લાંચના કેસોની રીતે મહેસૂલ વિભાગ મોખરે છે અને પોલીસ ખાતું બીજા નંબરે છે.પરંતુ, લાંચની રકમની રીતે પોલીસ સૌથી ટોપ પર છ એવી વિગતો એસીબીની આ વર્ષના પહેલા ત્રણ માસના આંકડાના આધારે બહાર આવી છે.એસીબીના જણાવ્યા અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી ૧૨ એપ્રિલ સુધી રાજ્યમાં છટકાના કુલ ૨૧૧ કેસ નોંધાયા હતા જેમાં ૪૨ ખાનગી વ્યક્તિઓ સહિત ૨૮૮ જણા આરોપી ઠરાવાયા હતા.મહેસૂલ અને જમીન રેકોર્ડ વિભાગ ૫૦ કેસો સાથે ટોચ પર હતું જેના પછી ૩૭ કેસો સાથે પોલીસ વિભાગ અને ૨૪ કેસો સાથે પંચાયત સમિતિ હતા.એસીબીના આંકડામાંથી જણાયું છે કે આ વર્ષે છટકાના કેસોમાં સંડોવાયેલી લાંચની કુલ રકમ રૃા. ૭૨.૮૧ લાખ હતી.આંકડાનું વધુ વિશ્લેષણ કરતા જણાયું કે છટકાના કેસોમાં સંડોવાયેલી લાંચની રકમમાં રૃા.૧૮.૭૨ લાખ પોલીસ વિભાગ સંબંધિત હતા જેના પછીના ક્રમાંકે મહેસૂલ અને જમીન રેકોર્ડ વિભાગ (રૃા. ૧૭.૫૩ લાખ), જિલ્લા પરિષદ (રૃા. ૧૦.૦૫ લાખ) હતા.

એસીબીએ આપેલી જાણકારી મુજબ આ વર્ષે માત્ર પોલીસ અને મહાપાલિકાના અધિકારીઓ જ અપ્રમાણસર સંપતિના કેસમાં સંડોવાયેલા હોવાનું જણાયું હતું.એક કેસમાં પોલીસ વિભાગના અધિકારી સામેલ હતા જ્યારે બે ડીએ કેસમાં પાલિકાના અધિકારીઓ સામેલ હતા.રસપ્રદ રીતે, સંડોવાયેલી અપ્રમાણસર મિલકતનું કુલ મૂલ્ય રૃા. ૧૩.૦૯ કરોડ છે જેમાંથી એક કેસ મુંબઈ પોલીસ હવાલદાર સુરેશ બામને અને તેની પત્નીને સંબંધિત છે જેમણે તેમની આવકના જાણીતા સ્રોતથી રૃા. ૧૨.૬૫ કરોડ વધુ મિલકત એકત્ર કરી હોવાનું માનવામાં આવે છે. આ કરોડપતિ હવાલદાર પાસે સેંકડો ફ્લેટો, બંગલો અને કૃષિલાયક જમીન છે એવી માહિતી એસીબીએ આપી છે.એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નાગરિકો હવે વધુ સતર્ક બન્યા છે અને એસીબીને ફરિયાદો કરવા અને ભ્રષ્ટાચાર સામે તેમનો અવાજ ઉઠાવવા વધુ તૈયાર થયા છે.નાગરિકોને સરકારી અધિકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચારના કોઈપણ બનાવનો સામનો થાય તો તેઓ એસીબીનો સંપર્ક તેમની ઓફિસના ફોન પર, એસીબીની વેબસાઈટ દ્વારા અને સમર્પિત હેલ્પલાઈન નંબર પર કરી શકે છે.

Share Now