નવી દિલ્હી,21 એપ્રિલ,2022,ગુરુવાર : તાજેતરમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વગાડવાનો મુદ્વો ચર્ચામાં આવ્યો છે ત્યારે પૂર્વ અભિનેત્રી અને અમરાવતીની અપક્ષ સાંસદ નવનીત કોરે શિવસેનાના માતોશ્રી બંગલા બહાર હનુમાન ચાલીસા ગાવાની જીદ પકડીને ચર્ચા જગાવી છે.નવનિત રાણાએ કહયું કે માતોશ્રીની બહાર અવશ્ય હનુમાન ચાલીસા કરશે.પ્રાપ્ત માહિતી અનુસાર નવનિત કોરે 16 એપ્રિલના રોજ અમરાવતી ખાતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી માતોશ્રી બહાર પાઠ કરવાની જાહેરાત કરતા શિવ સૈનિકો વિરોધ પ્રદર્શન પણ કરી ચુકયા છે.
લગ્ન પછી નવનીતે પોતાની ઝળહળતી ફિલ્મ કારર્કિદી છોડી રાજકારણમાં ઝંપલાવ્યું
નવનીતે જે લોકો પગ તોડી નાખવાની ધમકી આપે છે તેનાથી પોતે ડરતી નહી હોવાનું જણાવીને પડકાર ફેંકયો હતો.22 એપ્રિલ શુક્રવારના રોજ પતિ રવી રાણા અને 500 જેટલા કાર્યકર્તાઓ સાથે મુંબઇ રવાના થશે, 23 એપ્રિલના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશે.મુંબઇમાં જન્મેલા નવનીત રાણા 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી મોડલિંગમાં ઝંપલાવ્યું હતું.ત્યાર પછી તેલુગુ ,કન્નડ, મલયાલમ અને પંજાબી, ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.નવનીત રાણા મરાઠી, પંજાબી, તેલુગુ, હિંદી અને અંગ્રેજી એમ પાંચ ભાષા જાણે છે.વર્ષ 2011માં અમરાવતીના બડનેરા વિધાનસભાના અપક્ષ સાંસદ રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા.આ લગ્ન કોઇ ગૂપચૂપ નહિ પરંતુ 3720 દુલ્હા દુલ્હનના સમૂહ લગ્ન થતા હતા તે સ્થળે કર્યા હતા.નવનીત કોરના લગ્નમાં એ સમયના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને બાબા રામદેવ પણ હાજર હતા.લગ્ન પછી નવનીતે પોતાની ઝળહળતી ફિલ્મ કારર્કિદી પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.
આ પૂર્વ અભિનેત્રી હાલમાં અમરાવતીના અપક્ષ સાંસદ છે
પતિના પગલે રાજકારણમાં ઝંપલાવીને 2014માં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચુંટણી લડયા જેમાં હાર થઇ હતી.જો કે વિધાનસભામાં હાર થવા છતાં નવનીત રાણા હિંમત હાર્યા ન હતા તેમણે 2019ના લોકસભા ઇલેકશનમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી.કોંગ્રેસ અને એનસીપીની મદદથી નવનીતે શિવસેનાના દિગ્ગજ નેતા આનંદરાવ અડસુલને અમરાવતી બેઠક પર 36000 મતોથી હરાવ્યા હતા.નવનીત કોર સંસદમાં અને સંસદ બહાર શિવસેના વિરુધ નિવેદનો માટે જાણીતા છે.તે અપક્ષ ઉમેદવાર છે પરંતુ લોકસભામાં ભાજપને વધારે સમર્થન કરે છે.

