કીવ : રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેનના મારિયુપોલની લડાઇમાં વિજયનો દાવો કર્યો હતો.જોકે તેમણે યુક્રેનના સૈનિકો જોરદાર પ્રતિકાર કરી રહ્યાં છે તે આ શહેરના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર હુમલા કરીને વધુ નુકસાનનું જોખમ ન લેવાનો લશ્કરી દળોને આદેશ આપ્યો હતો.પ્લાન્ટ પર હુમલો કરવાની જગ્યાએ પુતિને એઝોવસ્ટાલના પ્લાન્ટની ઘેરાબંધી કરવાની સૂચના આપી હતી, જેથી માંખી પણ ઉડી ન શકે.રશિયાના લશ્કરી દળો દક્ષિણપૂર્વના આ પોર્ટ શહેર પર યુદ્ધની શરૂઆતથી હુમલા કરી રહ્યાં છે અને આ શહેરને મોટાભાગે ખેદાનમેદાન કરી નાંખ્યું છે.રશિયાના સૈનિકોએ મારિયાપોલના પતનનો પણ વારંવાર દાવો કર્યો છે, પરંતુ યુક્રેનના સૈનિકો જોરદાર પ્રતિકાર કરી રહ્યાં છે.રશિયાના અંદાજ મુજબ આ વિશાળ સ્ટીલ પ્લાન્ટની ભૂલભુલામણી જેવી ટનલો અને બંકરોમાં યુક્રેનના સેંકડો સૈનિકો છે.રશિયાએ આ સૈનિકોને શરણાગતી માટે વારંવાર સૂચના આપી છે, પરંતુ સૈનિકો શરણાગતી સ્વીકારવા માટે તૈયાર નથી.
જોકે ગુરુવારે પુતિને આ પ્લાન્ટ પર કબજો કર્યા વગર આ શહેર સર કર્યું હોવાનો દાવો કર્યો છે.પુતિન આજે સંરક્ષણ પ્રધાન સાથે જાહેરમાં દેખાયા હતા અને દાવો કર્યો હતો કે મારિયાપોલને આઝાદ કરવાની લડાઈ સફળ થઈ છે.જોકે યુક્રેને રશિયાના દાવાને નકારી કાઢ્યો હતો.પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીના એક સલાહકારે જણાવ્યું હતું કે આ સ્થિતિનો અર્થ એવો થાય છે કે તેઓ એઝોવસ્ટાલનો કબજો કરી શકે નથી તે તેમને સમજાઈ ગયું છે.તેમને અહીં ભારે નુકસાન થયું છે.
અમેરિકાએ યુક્રેનને વધુ 80 કરોડ ડોલરની લશ્કરી સહાય આપી
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને રશિયા સામે લડવા માટે યુક્રેનને વધુ 80 કરોડ ડોલરની લશ્કરી સહાય આપવાની ગુરુવારે જાહેરાત કરી હતી.આ નવા મિલિટરી પેકેજમાં હેવી આર્ટિલરી, 1.44 લાખ રાઉન્ડ દારુગોળો અને ડ્રોનનો સમાવેશ થાય છે.બાઇડને અત્યાર સુધી યુક્રેનને 2.6 અબજ ડોલરની લશ્કરી સહાય આપી છે.બાઇડને યુએસપોર્ટ પર રશિયા સંબંધિત તમામ જહાજો પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી છે.
રશિયાએ સરમટ નામની મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
મોસ્કો : રશિયાએ બુધવારે સરમટ નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલો પોતાની સાથે પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે.આ મિસાઈલ પર 10 કે તેથી વધુ વોરહેડ્સ લગાવી શકાય છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મિસાઈલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.પુતિને કહ્યું- આ મિસાઈલ પૃથ્વી પરના કોઈપણ લક્ષ્યને નષ્ટ કરી શકે છે.તે રશિયાને બાહ્ય જોખમોથી બચાવશે અને આપણા દેશને ધમકી આપનારા લોકોને ફેરવિચારણા કરવા મજબુર બનાવશે.ICBM મિસાઇલોની ઓછામાં ઓછી 5,500 કિમીની રેન્જ હોય છે.આ મિસાઈલ સૌથી વધુ વ્યૂહાત્મક અને તકનીકી લાક્ષણિકતાઓ ધરાવે છે.તે તમામ મિસાઈલ વિરોધી સંરક્ષણ પ્રણાલીઓમાંથી છટકી જવાની ક્ષમતા ધરાવે છે.