અબુજા, તા. 24 એપ્રિલ 2022, રવિવાર : દક્ષિણ-પૂર્વીય નાઈજીરિયાની એક ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ થવાના કારણે 100થી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા છે જ્યારે અન્ય કેટલાય લોકોને ઈજાઓ પહોંચી છે.જાણવા મળ્યા મુજબ વિસ્ફોટના કારણે લાગેલી આગ આસપાસની ઈમારતો સુધી પણ ફેલાઈ ગઈ હતી.ઈમો રાજ્યના અધિકારીઓ અને પોલીસ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.ઈમોના રાજ્ય સૂચના કમિશનર ડેક્લાન એમેલુમ્બાએ જણાવ્યું કે, શુક્રવારે રાતના સમયે લાગેલી આગ ખૂબ જ ઝડપથી 2 ગેરકાયદેસર ઓઈલ ભંડાર સુધી ફેલાઈ ગઈ હતી.વધુમાં જણાવ્યું કે, વિસ્ફોટનું ચોક્કસ કારણ અને મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી કરવો મુશ્કેલ બની રહ્યો છે.હાલ વિસ્ફોટના કારણે કેટલા લોકોના મોત થયા, કેટલા લોકોને ઈજાઓ પહોંચી, શું નુકસાન થયું તે અંગેની તપાસ થઈ રહી છે.
ઈમો સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તા માઈકલ અબટ્ટમે જણાવ્યું કે, અનેક લોકો માર્યા ગયા છે.તમામ મૃતકો ગેરકાયદેસર સંચાલક છે.ઈમો રાજ્ય સરકાર વિસ્ફોટ થયો હતો તે રિફાઈનરીના માલિકને પણ શોધી રહી છે અને તેને વોન્ટેડ ઘોષિત કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, નાઈજીરિયામાં ગેરકાયદેસર રિફાઈનરીઓ સામાન્ય છે જ્યાં વ્યવસાય સંચાલકો મોટા ભાગે અધિકારીઓની નજરથી દૂર, આંતરિયાળ ક્ષેત્રોમાં રિફાઈનરીઝની સ્થાપના કરીને નિયમો અને કરથી દૂર ભાગે છે.દેશમાં આ પ્રથા એ હદે વ્યાપક છે કે, તે તેલ સમૃદ્ધ નાઈજર ડેલ્ટા ક્ષેત્રમાં નાઈજીરિયાના કાચા તેલના ઉત્પાદનને પણ પ્રભાવિત કરી રહી છે.નાઈજીરિયા આફ્રિકામાં કાચા તેલનું સૌથી મોટું ઉત્પાદક છે પરંતુ તેની રિફાઈનરી ખૂબ જ ઓછી છે.તેના પરિણામસ્વરૂપ દેશમાં મોટા ભાગે ગેસોલીન અને અન્ય ઈંધણ આયાત કરવામાં આવે છે.


