અમદાવાદ : વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા કંપની ટ્વીટરના બોર્ડ ઓફ ડીરેક્ટરની બેઠકમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી ૪૩ અબજ ડોલર (રૂ.૩.૨૫ હાજર કરોડ)ની ઓફર અંગે વિચાર કરી રહી છે.આ અંગે સોમવારે ભારતીય સમય મુજબ મોડી રાત્રે કે મંગળવારે ટ્વીટરનું મેનેજમેન્ટ શેર હોલ્ડર્સને સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા અમેરિકન મીડિયામાં ચાલી રહી છે.અગાઉ, ટ્વીટર દ્વારા આ ઓફર સ્વીકારવા અંગે ઠંડો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.મસ્ક સાથેનો સોદો પૂર્ણ થશે એવી આશાએ સોમવારે અમેરિકન શેરબજારમાં ટ્વીટરના શેર ૪ ટકા વધી ૫૦.૭૩ ડોલર પ્રતિ શેર ખુલ્યા હતા.જયારે મસ્કે એ+ ઓફર કરી ત્યારે શેરનો ભાવ ૩૯ ડોલર આસપાસ હતો.
તા. ૧૪ એપ્રિલના રોજ મસ્કે ટ્વીટર ખરીદવા માટે ૫૪.૨૦ ડોલરના ભાવે એક શેર મળી ૪૧.૪૯ અબજ ડોલરના ભાવે બધા જ શેર ખરીદવા માટે ઓફર કરી હતી.આ ભાવ ટ્વીટરના વર્તમાન બજાર મુલ્ય ૩૪.૯૪ અબજ ડોલર કરતા ઘણો વધારે છે.અગાઉ, ટેસ્લાના સ્થાપક અને રોડથી અવકાશ સુધીના વિવિધ બિઝનેસમાં રોકાણ ધરાવતા ઈલોન મસ્કે માઈકો બ્લોગીંગ સેવા ટ્વીટરમાં ૯.૨ ટકા હિસ્સો ખરીદેલો છે.મસ્કે પોતાની ઓફરની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું કે આ તેમની અંતિમ ઓફર છે અને જો તે સ્વીકારવામાં નહી આવે તો પોતે પોતાના વર્તમાન બધા જ શેર બજારમાં વેચશે.મસ્કની ૯.૨ ટકા શેર ખરીદવાની જાહેરાત પછી તેને બોર્ડમાં સભ્ય બનાવવા અંગે વિરોધ થયો હતો એટલે મસ્કે આખી જ કંપની ખરીદી લેવાની જાહેરાત કરી હોવાની પણ બજારમાં ચર્ચા ચાલી રહી છે.બોર્ડના સભ્યો અને શેરહોલ્ડર વચ્ચે કંપનીના મૂલ્ય કરતા મહત્વની ચર્ચા એ છે કે મસ્કનું ભવિષ્યનું આયોજન શું છે? અમેરિકન પબ્લિક લીસ્ટેડ કંપની જો ડીલીસ્ટ કરી ખાનગી કરવામાં આવે તો શેરહોલ્ડર્સને અને વાણી સ્વતંત્રતા ઉપર તરાપ પણ ગણવામાં આવી શકે છે.મસ્કે કંપની ખરીદવા માટે જરૂરી નાણાની વ્યવસ્થા કરી લીધી હોવાની અને ૪૬ અબજ ડોલર સુધીનું ફન્ડિંગ મેળવી લીધું હોવાની જાહેરાત પણ તા.૨૦ એપ્રિલે કરી હતી.કંપની ગુરુવારે પોતાના માર્ચ ક્વાર્ટરના પરિણામ પણ જાહેર કરવાની છે.
રોડથી અવકાશ સુધી મસ્કનું સામ્રાજ્ય
ઈલોન મસ્ક માત્ર વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ નથી પણ ૩૦૦ અબજની સંપત્તિ સાથે પોતાનું સામ્રાજ્ય સતત વિસ્તરી રહ્યા છે. સૌથી આધુનિક ઇલેક્ટ્રિક મોટરકાર બનાવતી કંપની ટેસ્લાના સ્થાપક મસ્કના ધંધાના હિતો અને રોકાણ રોડથી લઇ અવકાશ સુધી વિસ્તરેલા છે.અહી એમના સામ્રાજ્યની એક ઝલક આપી છે તેમાં તેમણે રોકાણ કર્યું છે અને તેના બિઝનેસના વિસ્તારથી પોતે જંગી આવક રળવાની નેમ ધરાવે છે.
ન્યુરોલીંક : કોમ્પ્યુટર અને માનવીના મગજને જોડી શકે એવી પ્રોડક્ટ અને ટેકનોલોજીના રીસર્ચ ક્ષેત્રે કામ કરી રહેલી આ કંપનીમાં મસ્કે ૨૦૧૬માં રોકાણ કર્યું હતું.
સ્પેસએક્સ : ખાનગી રોકેટ સંસ્થા છે જે લોકોને સ્પેસ ટ્રાવેલ કરાવશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં મંગળ ઉપર ઉતરાણની તૈયારી કરી રહ્યા છે.
બોરિંગ કંપની : રસ્તા ઉપર માલ પરિવહન માટે ટનલ બનાવવા માટે કામ કરી રહી છે.
ટેસ્લા : વિશ્વની સૌથી મુલ્યવાન ઓટોમોબાઈલ કંપની
પે પાલ : પેમેન્ટ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત કંપની
વીકારીયસ : આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ અને રોબોટીક્સ ક્ષેત્રની કંપની