મુંબઇ : મહારાષ્ટ્રના વિધાનસભ્ય રવી રાણા અને તેનાં સંસદસભ્ય પત્ની નવનીત રાણાની ધરપકડ કરીને મુંબઇ પોલીસે કડક કાનૂની કાર્યવાહી કરી છે.સાથોસાથ જે તત્ત્વો કોમવાદના નામે અને બહાને મુંબઇમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પડકારરૃપ પરિસ્થિતિ નિર્માણ કરે તેવી શક્યતા છે તેઓને પણ કડક સંદેશો આપી દીધો છે.મુંબઇ પોલીસે ગયા શનિવારે રવી રાણાની અને તેનાં સંસદસભ્ય પત્ની નવનીત રાણાની ધરપડ કરી હતી.મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ થોડા સમય પહેલાં રાજ્યની તમામ મસ્જિદો પરથી ૩,મે સુધીમાં લાઉડ સ્પિકર્સ ઉતારી લેવાની રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારને ચેતવણી આપી છે.આ ચેતવણીનો અમલ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા રાજ ઠાકરેએ રાજ્ય સરકારને ધમકી પણ આપી છે.હાલ ભારતના જુદા જુદા હિસ્સામાં એક કે બીજા મુદ્દે કોમવાદી રમખાણો થઇ રહ્યાં છે.આવા માહોલમાં રાજ ઠાકરેનું આવું ધમકીભર્યું વલણ ચિંતાજનક બની રહે.
બીજીબાજુ મુંબઇ પોલીસના અમુક અધિકારીઓએ એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો કે પ્રથમદર્શિય અહેવાલ(ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ–એફ.આર.આઇ.)માં રાણા દંપતિ વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ મૂકીને મુંબઇ પોલીસે કદાચ મર્યાદાભંગ કર્યો હોવાનું ચિત્ર પણ ઉપસે છે.ભૂતકાળમાં રાજદ્રોહની કલમનો સહજપણે ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારની આકરી ટીકા પણ કરી છે.એક આઇ.પી.એસ.(ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે કોઇપણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લઇ શકે એ સંદેશો આપવો બહુ જરૃરી હતો.ઉદાહરણરૃપે લાઉડ સ્પિકર્સના મુદ્દે કાયદાનું પાલન કરવા માટે પોલીસ જ એક માત્ર યોગ્ય સત્તા છે.એટલે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દૂર રહેવા રાણા દંપતિને નોટિસ આપવામાં આવી હતી.આમ છતાં રાણા દંપતિ તેના કાર્યક્રમમાં આગળ વધ્યાં હતાં.છેવટે મુંબઇ પોલીસનાં ઉચ્ચ સૂત્રોએ રવી રાણા અને નવનીત રાણા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
રવી રાણા અને નવનીત રાણા વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ મૂકવાના મુદ્દા વિશે એક પોલીસ અધિકારીએ એમ કહ્યું હતું કે આ આરોપ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે અમારી પાસે બે ક્લિપ્સ છે જેમાં રાણા દંપતિ મુખ્ય પ્રધાનને ગાળો આપતાં દેખાય છે.રવી રાણા અને તેનાં પત્ની નવનીત રાણાની સલામતી માટે તે ક્લિપ્સ નહીં દર્શાવવા અમે ટીવી ન્યુઝ ચેનલોને કહ્યું હતું.મુખ્ય પ્રધાન રાજ્ય સરકારના વડા છે.હવે સરકારના પ્રતિનિધિ માટે આવી ભાષાનો ઉપયોગ કરવાથી રાજદ્રોહનો આરોપ મૂકાય છે.પોલીસનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે રાણા દંપતિના ઘર સામે ગોઠવવામાં આવેલાં બેરીકેડ્ઝ તોડનારા શિવ સૈનિકો વિરુદ્ધ પણ કેસ કર્યો છે.ઉપરાંત, ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે બોટલ ફેંકનારી વ્યક્તિ સામે પણ કેસ કર્યો છે.આમ અમે સંપૂર્ણ તટસ્થ વલણ લીધું છે.