મુંબઇ : મુંબઈ મહાપાલિકા મલેરિયાના ઉપદ્રવનો સામનો કરવા સજ્જ બની છે.નવા એકશન પ્લાન હેઠળ મલેરિયાના દરદી વિશે અથવા તો મચ્છરના પ્રજનન સ્થળો વિશે જાણકારી છૂપાવશે તેણે આકરો દંડ ચૂકવવા અને જેલમાં જવાની તૈયારી રાખવી પડશે એવી ચેતવણી આપવામાં આવી છે.૨૦૩૭ સુધીમાં મલેરિયાને નાબૂદ કરવા માટે મહાપાલિકાના સ્વાસ્થ્ય વિભાગે એકશન પ્લાન તૈયાર કર્યો છે.મલેરિયાને નોટિફાયેબલ (સત્તાવાળાઓને જાણ કરવા પાત્ર) રોગ જાહેર કરાયો તે સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ તમામ ડાયોગ્નોસ્ટિક લેબોરેટરીઓ, હોસ્પિટલો તથા ડોક્ટરોને મલેરિયાના પ્રત્યેક કેસની જાણ પાલિકાને કરવાની સૂચના આપી છે.આવી માહિતી મળવાથી મુંબઈનો ૨૦૩૦ સુધીમાં મલેરિયા નાબૂદીનો લક્ષ્યાંક પાર પાડવા માટેનો માર્ગ મોકળો થશે એમ પાલિકાના એકઝીકયુટીવ હેલ્થ ઓફિસર ડો. મંગલા ગોમરેએ આવતીકાલને સોમવારે વિશ્વ મલેરિયા દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જણાવ્યું હતું.
મલેરિયાના પ્રત્યેક કેસની માહિતી અપાય તો આરોગ્ય સત્તાવાળાઓ આ બીમારીનું પ્રમાણ વધુ હોય તેવા ચોક્કસ વિસ્તારોની આંકણી કરી મલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં લેવાનાં પગલાં લઈ શકે.પાલિકા મલેરિયા નાબૂદીનો લક્ષ્યાંક ૨૦૨૭ સુધીમાં હાંસલ કરવા માગે છે.ડો. ગોમરેએ કહ્યું હતું કે આપણે ત્રણ વર્ષ માટે મલેરિયાના કેસ નિયંત્રણમાં રાખી શકીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) આ (મુંબઈના) વિસ્તારમાંથી મલેરિયા નાબૂદ થયાનું જાહેર કરી શકે.’હૂ’ની માર્ગદર્શિકા મુજબ કોઈ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં મલેરિયા પારાસાઈટનો એક પણ કેસ નોંધાય નહીં એટલે મલેરિયા નાબૂદી.અમે આ બીમારીના કેસમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈમાં મલેરિયાના સરેરાશ પાંચ હજાર કેસ નોંધાયા છે એમ ડો. ગોમરેએ ઉમેર્યું હુતં.ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં મુંબઈમાં મલેરિયાના ૬૦૧૭કેસ અને છ લોકોનાં મોત નોંધાયાં હતાં. જ્યારે ૨૦૨૧માં ૫૧૭૨ કેસ તથા એક જણાનું મોત નોંધાયા હતા. સમગ્ર આરોગ્ય ક્ષેત્રનું ધ્યાન કોવિડ મહામારી તરફ કેન્દ્રીત હતું તે દરમિયાન ૨૦૧૯ (૪૩૫૭) અને ૨૦૨૦ (૫૦૦૭)માં મલેરિયાના કેસ સહેજ વધ્યા હતા.


