કાલીમેડુ, તા. 26 એપ્રિલ 2022, બુધવાર : તમિલનાડુના તંજાવુર જિલ્લાના એક મંદિરમાં બુધવારે સવારે રથયાત્રા સરઘસ દરમિયાન કરંટ લાગવાને કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થઈ ગયા છે.મૃત્યુ પામનાર લોકોમાં બે બાળકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે લોકો મંદિરની પાલખી પર ઊભા હતા.પાલકી કાલીમેડુના અપ્પર મંદિરમાં એક હાઈ-ટ્રાંસમિશન લાઈનને અડી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મંદિરની પાલખીને વાળતી વખતે ઓવરહેડ લાઈનને અડી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.અધિકારીઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે.તેમજ ગંભીર રીતે ઘાયલ ત્રણ સહિત 15 લોકોને સારવાર માટે તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.તિરુચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલક્રિષ્નને અકસ્માત વિશે જણાવ્યું છે કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.તમને જણાવી દઈએ કે, આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જીવંત વાયરને અડી જવાને કારણે રથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે.દર વર્ષે તમિલનાડુમાં વાર્ષિક રથ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.

