(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬ : કેન્દ્ર સરકારે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે સાંસદો સહિતના વિવિધ ક્વોટા રદ કરી દીધા છે.સરકારના આ નિર્ણયથી દેશના કેન્દ્રીય વિદ્યાલયોમાં કુલ ૪૦,૦૦૦ બેઠકો સામાન્ય વિદ્યાર્થીઓ માટે મુક્ત થશે.ઉલ્લેખનીય છે કે થોડાક જ સપ્તાહ પહેલા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ) એદેશની તમામ કેન્દ્રીય શાળાઓમાં પ્રવેશ માટેના તમામ વિવેકાધીન ક્વોટા પર રોક લગાવી દીધી હતી.દેશમાં કુલ ૧૨૦૦ કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત છે.જેમાં કુલ ૧૪.૩૫ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.દેશમાં લોકસભાના ૫૪૩ અને રાજ્યસભાના ૨૪૫ સાંસદો છે.લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો કેન્દ્રીય વિદ્યાલયોમાં કુલ ૭૮૮૦ બેઠકો પર પ્રવેશ માટે ભલામણ કરતા હતાં.કેવીએસ દ્વારા કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે નવી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.કોરોનાને કારણે અનાથ બનલા બાળકોેને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ કેન્દ્રીય વિદ્યાલયોમાં ક્ષમતાની મર્યાદાની ઉપરવટ જઇને પણ પ્રવેશ આપવામાં આવશે.એક કેન્દ્રીય વિદ્યાલયમાં આવા દસ બાળકો જિલ્લા મેજિસ્ટ્રેટની યાદીને આધારે પ્રવેશ આપવામાં આવશે.હાલમાં કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશની કાર્યવાહી શરૃ થઇ છે અને તે જૂન સુધી ચાલશે.અત્યાર સુધી એક સાંસદ કેન્દ્રીય વિદ્યાલયોમાં દસ બાળકોના પ્રવેશ માટે ભલામણ કરી શકતા હતાં.