પૂર્વ વિસ્તારો રોગચાળાના સકંજામાં,શારદાબહેન હોસ્પિટલમાં બે મહિનામાં ૭૭ હજારથી વધુ ઓ.પી.ડી.દર્દીઓ

313

અમદાવાદ,બુધવાર,27 એપ્રિલ,2022 : અમદાવાદ પૂર્વના ચાર ઝોનના લોકો એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પ્રદૂષિત પાણીને લઈ રોગચાળાના સકંજામાં આવી ગયા છે.મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ તથા હોસ્પિટલ પણ વિવિધ રોગના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.શારદાબહેન હોસ્પિટલમાં બે મહિનામાં નવા અને જુના એમ મળી કુલ ૭૭,૭૮૪ દર્દી ઓ.પી.ડી.માં નિદાન અને સારવાર માટે પહોંચ્યા હતા.શહેરમાં કથળતી જતી જન આરોગ્યની સ્થિતિને લઈ શ્વેતપત્ર બહાર પાડવા વિપક્ષનેતા દ્વારા માંગણી કરવામાં આવી છે.

મણિનગરમાં આવેલી મ્યુનિ.સંચાલિત એલ.જી.હોસ્પિટલની ઓ.પી.ડી.માં બે મહિનામાં ૯૮ હજાર દર્દી નિદાન અને સારવાર માટે પહોંચ્યા હતા.આ તરફ શારદાબહેન હોસ્પિટલમાં માર્ચ-૨૦૨૨માં ૨૨૩૮૨ નવા અને ૨૮૦૯૨ જુના એમ કુલ મળીને ૫૦૪૭૪ દર્દી નિદાન અને સારવાર માટે ઓ.પી.ડી.માં પહોંચ્યા હતા.૨૦ એપ્રિલ સુધીમાં આ હોસ્પિટલની ઓ.પી.ડી.માં ૧૧૭૨૧ નવા અને ૧૫૫૮૯ જુના એમ કુલ ૨૭૩૧૦ દર્દી પહોંચ્યા હતા.આમ બે મહિનામાં શારદાબહેન હોસ્પિટલમાં ચલાવવામાં આવતી ઓ.પી.ડી.માં નવા અને જુના એમ કુલ મળીને ૭૭,૭૮૪ દર્દી પહોંચ્યા હતા.આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈન્ડોર દર્દીની વાત કરવામાં આવે તો માર્ચ-૨૦૨૨માં ૨૪૨૧ ઈન્ડોર પેશન્ટ સારવાર લઈ રહ્યા હતા.જયારે ૨૦ એપ્રિલ સુધીમાં ૧૪૪૨ દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા હતા.સતત કથળતી જતી લોકોના આરોગ્યની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,જન આરોગ્યની સ્થિતિને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વેતપત્ર બહાર પાડવુ જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરવામાં આવે છે.

હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ કયા-કેટલાં?
શારદાબહેન હોસ્પિટલમાં ૨૦ એપ્રિલ-૨૦૨૨ સુધીમાં વિવિધ રોગના દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી.જેની વિગત આ મુજબ છે.

રોગ દર્દી

ઝાડા ઉલટી ૧૦૧

મરડો ૦૦૩

ટાઈફોઈડ ૦૮

મેલેરિયા ૦૦૬

કમળો ૦૦૭

ફેફસાનો ક્ષય ૦૦૩

અન્ય ક્ષય ૦૦૩

કેન્સર સિવાયની ગાંઠ ૦૪

ડાયાબીટસ ૦૩૯

એનેમીયા ૦૩૦

વાઈ ૦૧૪

ખાંસી ૦૩૮

ફિવર ૦૧૯

ન્યુમોનીયા ૧૧

દમ ૦૧૧

એબોર્શન ૦૫૩

બાળલકવાનો કેસ નોંધાયો

મ્યુનિ.હસ્તકની શારદાબહેન હોસ્પિટલમાં એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન બાળલકવાનો એક કેસ નોંધાવા પામ્યો છે.આ દર્દીને હોસ્પિટલમાં ઈન્ડોર દર્દી તરીકે સારવાર આપવામાં આવી હતી.એક તરફ પલ્સ પોલીયો અભિયાન હેઠળ પોલીયોની રસી બાળકોને પીવડાવી પોલીયોના રોગની નાબૂદીની તંત્ર દ્વારા ઝૂંબેશ હાથ ધરાઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ શારદાબહેન હોસ્પિટલમાં ૨૦ એપ્રિલ-૨૨ સુધીમાં ઈન્ડોર પેશન્ટ તરીકે બાળ લકવાના એક દર્દીને સારવાર આપવામાં આવી છે.આ બાબત પુરવાર કરે છે કે,શહેરના લોકોની કથળતી જતી આરોગ્યની સ્થિતિ ઉપર તંત્ર ઢાંકપિછોડો કરી રહ્યુ છે..

Share Now