કોંગ્રેસ માટે રચાયેલી મારી લીડરશીપ રણનીતિમાં રાહુલ-પ્રિયંકા નથી : પ્રશાંત કિશોર

117

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે થયેલી બેઠકના સંદર્ભમાં કહ્યું હતું કે કોંગ્રેસ સાથે જે ચર્ચા કરવી હતી અને જે સલાહ આપવાની હતી તે આપી દીધી છે.હવે નિર્ણય કોંગ્રેસે લેવાનો રહેશે.મેં કોંગ્રેસ પાર્ટીને જે લીડરશિપની રણનીતિ જણાવી તેમાં રાહુલ કે પ્રિયંકાનો સમાવેશ થતો નથી.જોકે, કોને આગળ કરવાનો પ્રશાંત કિશોરનો વ્યૂહ છે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાથે થયેલી બેઠકના સંદર્ભમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો આભાર માનું છું કે તેમણે મારી વાત સાંભળી.મેં તેમને જે રણનીતિ કહેવાની હતી કે કહી દીધી છે.હવે આગળનો નિર્ણય તેમણે કરવાનો છે.જોકે, પ્રશાંત કિશોરના દાવા પ્રમાણે તેની લીડરશિપ સ્ટ્રેટેજીમાં રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થતો નથી. જોકે, પ્રશાંત કિશોરે એવું પણ ઉમેર્યું હતું કે ૨૦૦૨માં મોદીની જે ઈમેજ હતી તે ૨૦૨૨માં નથી.એ ઈમેજ વર્ષ દર વર્ષ બદલાતી રહી છે.રાહુલ ગાંધીની ઈમેજ પણ બદલી શકાય છે.એક વ્યૂહરચના અમલી બને તો રાહુલ ગાંધી તરફની લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે.પ્રશાંત કિશોરે કોંગ્રેસ સામે જે વ્યૂહરચના મૂકી તેમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા નક્કી કરવાનું જણાવ્યું હોવાનું પણ કહેવાય છે.

જોકે, પ્રશાંતે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતો કહ્યું હતું કે મારું રાજકીય કદ એટલું વધારે નથી કે રાહુલ ગાંધી મને ભાવ આપે. પ્રશાંત કિશોરના કહેવા પ્રમાણે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને લઈને તેની પાસે કોઈ તૈયારી નથી. ૨૦૨૪માં મોદી સામે કોણ પડકાર સર્જશે તે બાબતે કોઈ જાણકારી ન હોવાનું પીકેએ કહ્યું હતું.જેમની સાથે કામ કર્યું છે એવા મમતા દીદી અને નીતીશ કુમાર બાબતે પણ પ્રશાંત કિશોરે નિવેદનો આપ્યા હતા. પ્રશાંત કિશોરે સનસનીખેજ દાવો કર્યો હતો કે જેડીયુ તેણે છોડયું ન હતું.જેડીયુએ તેને કાઢી મૂક્યા હતા.જ્યારે મમતા દીદી સાથે કામ કરવામાં કોઈ મુશ્કેલી નડી નથી.કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા પ્રશાંત કિશોરે કહ્યું હતું કે કોંગ્રેસે પદ ઓફર કર્યું હતું, પરંતુ હું કોંગ્રેસમાં જોડાવા માગતો નથી. કોંગ્રેસ સક્ષમ છે.મારા સૂચનો કોંગ્રેસે સાંભળ્યા તે બદલ તેમનો આભાર.

Share Now