અમદાવાદ : રાજ્યની સરકારી અને અર્ધસરકારી જીએમઈઆરએસ સહિતની મેડિકલ કોલેજોના એમબીબીએસ પાસ ૮૩૪ બોન્ડેડ તબીબોને જિલ્લા હોસ્પિટલો-ગ્રામ્ય સેવા માટે અપાયેલ ઓર્ડર સરકારે એક જ દિવસમાં રદ કરવા પડયા છે.સરકારના નવા પરિપત્ર મુજબ ૧૨ કોલેજોને બદલે હવે ૨૦ કોલેજોના એમબીબીએસ પાસ બોન્ડેડ તબીબોને એક કે ત્રણ વર્ષની સેવા નિયમ પ્રમાણે આપવા માટે નવા ઓર્ડર કરવામા આવનાર છે.
સરકારના આરોગ્ય વિભાગના નિયમ મુજબ રાજ્યની મેડિકલ કોલેજોમાં પ્રવેશ વખતે વિદ્યાર્થીઓએ તબીબી સ્નાતક અભ્યાસ (એમબીબીએસ) પૂર્ણ કર્યા બાદ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં એક કે ત્રણ વર્ષ માટે સેવાઓ આપવાની લેખિત બાંયધરી એટલે કે બોન્ડ આપવાના હોય છે.બોન્ડની શરતો મુજબ સરકારે તાજેતરમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરેલા ૮૩૪ બોન્ડેડ તબીબોને જિલ્લા હોસ્પિટલો, સરકારી સિવિલ હોસ્પિટલો,આરોગ્ય કેન્દ્રોમાં સેવા માટે ઓર્ડર કર્યા હતા.આ ઓર્ડર ૨૫મી એપ્રિલે કરવામા આવ્યા હતા.પરંતુ ૨૬મી એપ્રિલે એટલે કે બીજા દિવસે આરોગ્ય વિભાગે નવો લેખિત આદેશ કરતા બોન્ડની શરત મુજબ સેવા આપવા માટે તબીબી અધિકારી વર્ગ-૨ તરીકે નિમણૂંક આપવાનો ઓર્ડર રદ કરી દીધો છે.
નવા આદેશ મુજબ રાજ્યની માત્ર ૧૨ મેડિકલ કોલેજોના હુકમો ન કરતા બોન્ડ લાગુ હોય તેવી તમામ ૨૦ મેડિકલ કોલેજોમાં ઈન્ટર્નશિપ પૂર્ણ થયેલ હોય તેઓનું સ્ટેટ લેવલનું એક મેરિટ લીસ્ટ બનાવી સોફ્ટવેર દ્વારા નિમણૂંક આપવાની કાર્યવાહી કરવા માટે તાત્કાલીક ધોરણે આગળના ઓર્ડર રદ કરી દેવાયા છે.મહત્વનુ છે કે ૨૦ મેડિકલ કોલેજોના બોન્ડેડ તબીબોને સેવાના ઓર્ડર કરવાનું પહેલેથી નક્કી જ હતુ તો ૮૩૪ માટે ઓર્ડર શું ભુલથી કરી દેવાયા ?સરકારના આરોગ્ય વિભાગ પાસે મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓની ઈન્ટર્શિપ ક્યારે ક્યારે પુરી થઈ તેની જાણકારી નથી ?હાલ બોન્ડેડ તબીબી ઉમેદવારો ૨૫૦૦થી વધુ છે.