અમદાવાદ,ગુરૃવાર : ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વાર્ષિક આવકમાં પડતી ઘટ પેટે ૩૧મી માર્ચ ૨૦૨૨ની સ્થિતિએ રૂ. ૪૧૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે.ગુજરાત સરકારે જીએસટીના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી ૨૦૨૧-૨૨ના વરસમાં રૂ. ૨૦,૦૧૧ કરોડ લેવાના થાય છે.તેમાંથી વરસ દરમિયાન રૂ. ૧૫,૯૧૧ કરોડ મળી ચૂક્યા છે.હજી રૂ. ૪૧૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે.બીજી તરફ કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને મળીને જીએસટીના વળતર પેટે રૂ. ૭૮,૫૦૦ કરોડથી વધુ ચૂકવવાના બાકી છે.કેન્દ્ર સરકાર પાસે આ ચૂકવણી કરવા માટે નાણાં ન હોવાથી ચૂકવણી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
૨૦૨૧-૨૨ના નાણાંકીય વરસમાં ગુજરાત સરકારની જીએસટી અને વેટની મળીને રૂ. ૭૫,૬૧૬ કરોડની આવક થઈ હતી.૨૦૨૧-૨૨માં જીએસટીની ગુજરાતે રૂ. ૪૫,૪૬૪ કરોડની અને પેટ્રોલ અને ડીઝલ પરના વેટ તથા સીએનજી પરના વેટ થકી ગુજરાત સરકારે રૂ.૩૦,૧૫૨કરોડની આવક કરી હતી.૨૦૨૧-૨૨ની સાલના વળતરની રકમ પેટે રૂ. ૭૮૫૦૦ કરોડથી વધુ ચૂકવવાના બાકી હોવાનું સ્વીકારતા કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોમ્પેન્સેશન ફંડમાં પૂરતું બેલેન્સ ન હોવાથી આ ચૂકવણી વિલંબમાં પડી છે.સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળાના વળતરની રકમ માર્ચના અંતમાં ચૂકવી દેવામાં આવતી હોય છે.પરંતુ સેસની આવકના નાણાંનું પૂરતું ભંડોળ ન હોવાથી છેલ્લા ચાર મહિનાના વળતરના નાણાં ચૂકવાયા નથી. ૨૦૨૧-૨૨ના વરસનાઆઠ મહિનાના વળતરના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે.૨૦૨૧-૨૨ના વરસમાં કેન્દ્ર સરકારે રૂ. ૧.૫૯ લાખ કરોડની લોન લઈને આ રકમની રાજ્ય સરકારોને ચૂકવણી કરી હતી. ૨૦૨૦-૨૧માં કોરોનાને કારણે આવક ઘટતા આ રકમ ચૂકવવામા ંતકલીફ પડી હતી.આ વરસે રૂ. ૧.૧ લાખ કરોડની લોન લેવી પડી હતી.
વળતરની બાકી રકમ અંદાજે છેલ્લા ચાર મહિનાની બાકી રકમ છે.જીએસટી સાથે લેવામાં આવતા સેસની રકમની આવકમાંથી જીએસટીની આવકમાં રાજ્ય સરકારોને પડતી ઘટની રકમ ચૂકવવામાં આવે છે.જુલાઈ ૨૦૨૨ પછી આ રકમ ચૂકવવાનું બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે, કારણે કે જીએસટીનો અમલ શરૃ થયા પછીના પહેલા પાંચ વરસ સુધી રાજ્ય સરકારોની જીએસટીની કુલ આવકમાં વાર્ષિક સરેરાશ ૧૪ ટકાના વધારા સાથે પડનારી ઘટની રકમ કેન્દ્ર સરકાર પાંચ વરસ સુધી વળતર તરીકે ચૂકવવા કાયદેસર બંધાઈ હતી.