અમદાવાદ,ગુરુવાર,28 એપ્રિલ,2022 : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું સ્ટ્રકચર જર્જરીત હોવાના રીપોર્ટ બાદ સ્ટેડિયમનું રીનોવેશન ના થાય ત્યાં સુધી કોઈ પણ જાહેર કાર્યક્રમ કે ઈવેન્ટ યોજવા મંજુરી નહીં અપાય.આ સ્ટેડિયમમાં એક મહિના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ-૨૦૨૨નું ઉદ્ધાટન કરાવ્યુ હતું.પચાસ કરોડના ખર્ચથી હેરીટેજ લુક સાથે સ્ટેડિયમનું રીનોવેશન આગામી સમયમાં તંત્ર દ્વારા શરુ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સરદાર પટેલ સ્ટેડિયમના સ્ટ્રકચરને લઈ આઈઆઈટી મદ્રાસના રીપોર્ટના આધારે સ્ટેડિયમનો જાહેર કાર્યક્રમો માટે ઉપયોગ ના કરવા અંગે તાકીદમાં લાવવામાં આવેલી દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.ગત મહિને સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમ સમયે મોટી સંખ્યામાં ઉમટી પડેલી ભીડ બાદ કોર્પોરેશનના ધ્યાનમાં સ્ટેડિયમમાં બેસવાની જગ્યા અને મોટાભાગની દિવાલો જર્જરીત થઈ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતું.આરસીસીની દિવાલો પણ જર્જરીત થયેલી છે.ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી સ્ટેડિયમનું સંપૂર્ણ રીનોવેશન ના થાય ત્યાં સુધી જાહેર કાર્યક્રમ કે ઈવેન્ટ માટે સ્ટેડિયમનો ઉપયોગ કરી શકાશે નહીં.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજજો આપવામાં આવ્યો એ સમયે શહેરના વોચ લિસ્ટ સ્થળોની યાદીમાં આ સ્ટેડિયમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાથી સ્ટેડિયમના હેરીટેજ લુકને જાળવી રાખીને પચાસ કરોડના ખર્ચે તેનુ રીનોવેશન આગામી સમયમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.ટેન્ડર ઉપરાંત ડીઝાઈન સહિતની પ્રક્રીયાનો સમાવેશ કરાશે.