લંડન, તા.૨૯ : જર્મનીના લેજન્ડરી ટેનિસ ખેલાડી બોરિસ બેકરને નાદારી નોંધાવતી વખતે તેની મિલ્કતો છુપાવવા બદલ અઢી વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.ત્રણ વખત વિમ્બલ્ડન જીતી ચૂકેલા બેકરને ૨૦૧૭માં દેવાળિયો જાહેર કરવામાં આવ્યો હતો.જોકે આ પછી તેણે જંગી રકમના નાણાંકીય વ્યવહારો કરતાં તેના પર સંપત્તિ છુપાવવાનો આરોપ મૂકાયો હતો.તે કેસમાં લંડનની કોર્ટે તેને અઢી વર્ષની જેલની સજા ફટકારી હતી.જેમાંથી તેણે અડધી સજા જ ભોગવવાની રહેશેે.બેકરને જે મામલે દોષીત ઠેરવવામાં આવ્યો હતો, તેમાં તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે તેમ હતી.જોકે લંડનની સાઉથવાર્ક ક્રાઉન કોર્ટના જજ ડેબોરાહ ટેલર બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બેકરને અઢી વર્ષની સજા ફટકારી હતી.
૫૪ વર્ષના જર્મન ટેનિસ લેજન્ડ બોરિસ બેકર પાંચ કરોડ પાઉન્ડ (આશરે ૪૮૧ કરોડ રૃપિયા)નું દેવું ચુકવી શકે તેમ ન હોવાથી તેને જુન,૨૦૧૭માં નાદાર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, નાદાર જાહેર થયા બાદ બેકરે તેના બિઝનેસ એકાઉન્ટમાંથી તેની પૂર્વ પત્ની બાર્બરા બેકર અને હાલ અલગ રહેલી પત્ની શર્લે લીલી બેકર સહિતના અન્યોના એકાઉન્ટમાં ૩.૯૦ લાખ પાઉન્ડ (આશરે ૪ કરોડ રૃપિયા) ટ્રાન્સફર કર્યા હતા.આ ઉપરાંત તેણે તેની અન્ય સંપત્તિ પણ છુપાવી હતી.તેણે બે વિમ્બલ્ડન ટ્રોફી અને ઓલિમ્પિક મેડલ પણ નાદાર થયો ત્યારે છુપાવી રાખ્યા હતા.