ભાવનગર : એમ.કે. ભાવનગર યુનિવર્સિટીની સરકારી કોલેજો લાંબા સમયથી ઇન્ચાર્જ આચાર્યથી ચાલી રહી છે અને આ કોલેજોના ઉત્થાનની વાત આવે ત્યારે યુનિ.ખુદ ઓરમાયુ વર્તન કરે ત્યારે કોલેજોના સુકાની પદ છોડવા સુધીના નિર્ણયો લેતા હોય છે.અગાઉ એમ.જે. કોલેજ અને હાલ શામળદાસ કોલેજના ઇ-આચાર્યએ રાજીનામુ ધરી દેતા વ્યાપક ચકચાર ફેલાવા પામી છે.કોલેજો અને ભવનો સરકારી ફી ઉઘરાવી રહ્યા છે અને પર્યાપ્ત માત્રામાં વિદ્યાર્થી સંખ્યા પણ મળી રહે છે ત્યારે આ કોલેજ કે ભવનોની નાની-મોટી જરૂરીયાતો અંગે વારંવાર જે-તે વડા દ્વારા અવાર-નવારની રજૂઆતો યુનિવર્સિટી કે ઇ.સી.માં બેઠેલા સભ્યો કોઇ વાત ધ્યાને લેતા નથી.પરિણામે સુવિધા થઇ શકતી નથી અને માછલા ધોવાય તો જે-તે કોલેજ-ભવનના વડા ઉપર આ ઉપરાંત વહિવટી સ્ટાફની આંતરીક બદલીઓમાં કર્મચારીની કાબેલીયત અને આવડતની સાથે તેની ક્ષમતા જોઇ યોગ્ય વર્કલોડનો અભ્યાસ કરી બદલીઓ થવી ઘટે નહીં કે આલીયા-માલીયા-જમાલીયાના ઇશારે યુનિ.ની બદલીઓ થાય તે ક્યાંનો ન્યાય ? પુરતો સ્ટાફ ફાળવાય અને જરૂર જણાય ત્યાં વધારો પણ અપાય તેનું સફળ સંચાલન કરવાનું શ્રેષ્ઠ કાર્ય યુનિ.નો વહિવટદારે કરવાનું હોય છે પરંતુ ખોટા નિર્ણયોના કારણે સાઇન્સ કોલેજમાં એમ.જે. કોલેજમાં અને હવે શામળદાસ આર્ટસ કોલેજમાં પણ આચાર્યએ રાજીનામુ ધરી દેતા યુનિ.ના સત્તાધિશોએ મંથન કરવું અનિવાર્ય બન્યું છે. વધુમાં આચાર્યના શિરે જેટલી જવાબદારી છે તેના પ્રમાણમાં ભથ્થા પણ મળતા નથી અને જો સુવિધા વધારવા કે લાયક કર્મચારી મુકવાની માંગણી થાય તો તે કાગળ ઉપર પેપર વેઇટ વર્ષોના વર્ષો સુધી પડયું જ રહે છે.માટે જ કોઇ આ કાટાળો તાજ પહેરવા રાજી નથી.સર પી.પી. સાયન્સ કોલેજમાં ૧૦ વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય છે.શામળદાસ કોલેજમાં ૧૩ વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સીપાલ છે.અરે બાકી હતું તો એમ.જે. કોમર્સ કોલેજમાં પણ પાંચ વર્ષથી ઇન્ચાર્જ દ્વારા ગાડુ ગબડાવાય છે.કાયમીની ભરતી કરવામાં સાશકોને આડો એરૂ ઉતરતો હોય તેવું લાગી રહ્યું છે.આવી જ સ્થિતિ ભવનોની પણ છે ત્યારે વહિવટી સુધારણા અને સ્ટાફની ફાળવણી અતિ મહત્વની બની રહે છે.જ્યાં જરૂરી નથી ત્યાં ચાર-ચાર કર્મચારી ફાળવાય અને જ્યાં જરૂર છે ત્યાં બિન આવડતવાળા કર્મચારીઓની નિમણૂંક કરી યુનિ.શું સાબિત કરવા માંગે છે ? કુલપતિ ખુદ ઇન્ચાર્જમાં છે પરંતુ આવતાની સાથે બદલીઓ કરી વિવાદનો મધપુડો છંછેડયો હતો જેના ડંખ હવે ઢીમચા બની બહાર આવી રહ્યા છે.