જેસર : જેસર તાલુકાના માતલપર ગામે ગઇ રાત્રે અચાનક સાવજ આવી ચડી એક પાડી તથા ગાયનું મારણ કર્યું હતું અને વાડી વિસ્તારમાં મીજબાની માણી હતી.આ ઘટનાને પગલે વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર જેસર તાલુકાના માતલપર ગામે ગઈ મોડી રાતના ૧૧.૩૦ વાગ્યાના સમયે ગામના ભાવુભાઈ રાણાભાઇ ગોહિલ તેમજ દેહાભાઈ માધાભાઇ ભાલીયાના ઘરે જઈને એક પાડી તેમજ ગાય ઉપર અચાનક હુમલો કરીને મારણ કર્યું હતું.ઘરના સભ્યોને જાણ થતાની સાથે સિંહને ભગાડવાની કોશિશ કરી હતી.હાકલા પડકારા કરવા છતાં પણ સાવજ ભાગ્યા ન હતા.અને મારણને લઈને થોડે દૂર વાડી વિસ્તારમાં જઈને મારણની મિજબાની માણી હતી જેથી કરીને ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.કે જો સિંહ સામે થાય તો લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઇ જેથી કરીને વહેલી સવારે જેસર ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરતાની સાથે ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી.આ સમગ્ર તપાસ હાથ ધરી અને સાવજોને પાંજરામાં પુરી જંગલ વિસ્તાર બીડમાં મુકવાની તજવીજ હાથ ધરી હતી. ગામલોકોની માંગ એવી છે કે આ સાવજોને પકડી લેવામાં આવે જેથી કરીને મૂંગા પશુનું જીવન મુશ્કેલીમાં ના મુકાય.અવાર નવાર સાવજો તેમજ દીપડાઓ દ્વારા રાતના સમયમાં ઘર સુધી આટાફેરા લગાવી જાય છે.રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવુ પણ મુશ્કેલ બને છે તો અમને તાત્કાલિક ધોરણે સૂર્યોદય યોજનામાં લાઈટ આપવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગણીઓ છે જેથી રાત્રીના ઉજાગરા પણ ન કરવા પડે ને સાવજો તથા દીપડાનો પણ ડર દૂર થઈ જાય તેવી ગ્રામજનોની માંગણી છે.આ પહેલા પણ આજુબાજુનાં ગામડાનાં સરપંચો દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારને રજૂઆત કરેલ છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા યોજનાનો અમલ કે નિર્ણય આપવામાં આવ્યો નથી.