ભાવનગર : ભાવનગર-બોટાદ વચ્ચે દોડતી ટ્રેનને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સુધી પુનઃ લંબાવવા લોકમાંગણી ઉઠી છે.આ ટ્રેનને ધ્રાંગધ્રા સુધી લંબાવાઈ તો લોકોને આંતર શહેર અને લાંબા અંતરની ટ્રેનનું કનેક્શન મળી શકે તેમ છે.હાલ બોટાદ સુધી જ ટ્રેન ચાલતી હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.ભાવનગરથી સાંજે ઉપડતી બોટાદ ટ્રેન અગાઉ સુરેન્દ્રનગર થઈ ધ્રાંગધ્રા સુધી દોડતી હતી. આ ટ્રેન સવારે ભાવનગર પરત આવતી હોય, અપડાઉન કરતા પ્રવાસીઓ માટે સાનુકૂળ હતી. ધ્રાંગધ્રા સુધી ટ્રેન ચાલતી હોવાથી સુરેન્દ્રનગર ખાતે રાજકોટ, પોરબંદર, વેરાવળ, દ્વારકા, બાંદ્રા, દિલ્હી, દક્ષિણ ભારત વગેરે તરફ તેમજ ધ્રાંગધ્રાથી કચ્છ જતી ટ્રેનનું કનેક્શન મળી રહેતું હતું.પરંતુ હાલ આ ટ્રેન માત્ર બોટાદ સુધી જ ચાલતી હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.વધુમાં પાલિતાણા ભાવનગર આવતી સાંજની ટ્રેન સાથે સિહોરમાં કનેક્શન મળી રહે તે મુજબ સમય સારણી ગોઠવવા અને ભાવનગર-ઓખા ટ્રેનનો સમય વહેલો કરવા મુસાફરોમાં માંગણી ઉઠી છે.