ભાવનગર મનપાના ઇતિહાસમાં પ્રથમવાર એક દિવસમાં રૂપિયા 9 કરોડ વેરાની આવક

363

ભાવનગર : રીબેટ યોજનાને પગલે ભાવનગર મહાપાલિકાને વેરાની સારી આવક થઈ રહી છે અને બહોળી સંખ્યામાં કરદાતાઓ મિલ્કત વેરો ભરી રહ્યા છે તેથી મનપાની તીજોરી ઝડપથી ભરાય રહી છે. ભાવનગર મનપાના ઇતિહાસમાં પ્રથમવાર એક દિવસમાં રૂપિયા ૯ કરોડ વેરાની આવક થઈ છે.મહાપાલિકામાં રીબેટ યોજનાને પગલે ર૮ દિવસમાં રૂ. પ૭.૪૦ કરોડની આવક થઈ છે.ભાવનગર મહાનગરપાલિકામાં રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરો ભરવા લોકોનો ધસારો વધી રહ્યો છે અને ઓનલાઈન પણ ઘણા કરદાતા વેરો ભરી રહ્યા છે, જેમાં આજે બુધવારે ભાવનગર મહાપાલિકાને મિલ્કત વેરાની રૂ. ૯ કરોડની આવક થઈ હતી, જેમાં પ૧૦૦ કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો.૩૦૬૪ કરદાતાએ ઓનલાઈન રૂ. ર.૦૪ કરોડનો વેરો ભર્યો હતો અને ૧ર ટકા રીબેટ મેળવ્યુ હતું. ૧૯૬૦ કરદાતાએ મનપાની બારીએ રૂ. ૬.૭૮ કરોડનો વેરો ભર્યો હતો.છેલ્લા ર૮ દિવસમાં આશરે ૮૯,૪૦૦ કરદાતાએ રૂ. પ૭.૪૦ કરોડનો વેરો ભર્યો છે, જેમાં પપ,૬૮૪ કરદાતાએ રૂ. ૩૦.પપ કરોડનો ઓનલાઈન વેરો ભર્યો હતો, જયારે ૩ર,૪૬૦ કરદાતાએ રૂ. રપ.૪૧ કરોડનો વેરો કેશબારીએ ભર્યો હતો. ચાર સરકારી મિલ્કતનો રૂ. પ.પ કરોડનો વેરો આજે ભરાયો છે, જેમાં એરપોર્ટનો ર.૭૭ કરોડ, સમરસ હોસ્ટેલનો રૂ. ર.૦૧ કરોડ, બીપીટીઆઈનો રૂ. ૪૦ લાખ અને શાંતિલાલ શાહ કોલેજનો રૂ. ૩૦ લાખના વેરાનો સમાવેશ થાય છે તેમ ઘરવેરા વિભાગના સુત્રોેએ માહિતી આપતા જણાવેલ છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતે મિલકત વેરો સવારે ૧૦.૩૦ થી બપોરે ૨.૩૦ અને બપોરે ૩ થી ૫ દરમિયાન સ્વીકારવા નિર્ધારિત કરાયેલ છે.જાહેર રજાઓ તથા શનિ-રવિવાર સહિતના તમામ દિવસો વેરો સ્વિકારાય છે.હાલમાં ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ ર૦રર-૨૩ની રિબેટ યોજના ચાલુ છે, જેમાં તમામ વેરો એકી સાથે ભરપાઇ કર્યેથી એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર ૧૦ ટકા રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર ૫ ટકા સુધીનું રિબેટ તથા પી.ઓ.એસ., મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ.બીએમસીગુજરાત.કોમ પર ઓનલાઇન તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત પેમેન્ટ કરવા પર વધુ ૨ ટકા રિબેટ મળવાપાત્ર છે.

ઉપરાંત વર્ષ ર૦૧૩ પહેલાની ઘરવેરાની જુની કર પધ્ધતિમાં છેલ્લા ચાર વર્ષ (એટલે કે વર્ષ ૨૦૦૯-૧૦ થી ૨૦૧૨-૧૩)ની રકમ એકીસાથે ભરપાઇ કર્યેથી ૪ વર્ષ તથા વ્યાજમાફીની સ્કીમ હેઠળ વર્ષ ર૦૦૯ પહેલાની તમામ વેરાની રકમ (પાણી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ સિવાય) માંડવાળ થશે તથા આ બિલની ચડત થયેલ વ્યાજની રકમનું ૧૦૦ ટકા રીબેટ મળશે.શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની રીબેટ યોજનાનો સત્વરે લાભ લઇ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતેની કેશબારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઇ કરી શકાશે.રીબેટ યોજના મનપાને ફળી રહી છે.

ભાવનગર મહાપાલિકાએ એપ્રિલ માસમાં ૧૦ ટકા રીબેટ યોજના જાહેર કરી છે.આ રીબેટ યોજના ગત તા.ર એપ્રિલથી શરૂ થઈ હતી અને હજુ આગામી તા. ૩૦ એપ્રિલ સુધી ચાલશે. ૧૦ ટકા રીબેટ યોજનાને હવે માત્ર ૩ દિવસ બાકી રહ્યા છે.ઓનલાઈન વેરો ભરનારને ર ટકા વધુ એટલે ૧ર ટકા રીબેટ આપવામાં આવી રહ્યુ છે ત્યારે કરદાતાઓએ લાભ લેવો જરૂરી છે.આગામી મે માસથી પ ટકા રીબેટ યોજના શરૂ થશે.

Share Now