નવી દિલ્હી, તા.૧ : દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયાના કેટલાક સપ્તાહોમાં જ એપ્રિલમાં રૂ. ૬૪૮.૪૮ કરોડના ચૂંટણી બોન્ડ વેચાયા છે અને પક્ષોએ બોન્ડના નાણાં રિડીમ કરી લીધા છે.વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધીમાં ચૂંટણી બોન્ડના વેચાણના ૨૦ તબક્કા પૂરા થયા છે, જેમાં કુલ રૂ. ૯,૮૫૬.૭૧ કરોડના મૂલ્યના ચૂંટણી બોન્ડ વેચાયા છે જ્યારે રાજકીય પક્ષોએ રૂ. ૯,૮૩૬.૧૩ કરોડ એન્કેશ કર્યા છે.
ચૂંટણી બોન્ડનું વેચાણ કરતી એસબીઆઈ બેન્કે એક આરટીઆઈના પ્રતિસાદમાં એક્ટિવિસ્ટ કોમોડોર લોકેશ બત્રા (નિવૃત્ત)ને શનિવારે જણાવ્યું હતું કે, વેચાયેલા ચૂંટણી બોન્ડમાંથી રૂ. ૨૦.૬૮ કરોડ એન્કેશન કરવામાં આવ્યા નથી અને આ રકમ પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એસબીઆઈની હૈદરાબાદ શાખામાં સૌથી વધુ ચૂંટણી બોન્ડનું વેચાણ થયું છે.આ શાખામાં ૧લીથી ૧૦મી એપ્રિલ વચ્ચે રૂ. ૪૨૫.૯૮ કરોડના મૂલ્યના બોન્ડ વેચાયા હતા. રૂ. ૧૦૦ કરોડના વેચાણ સાથે ચેન્નઈની મુખ્ય બ્રાન્ચ બીજા ક્રમે છે. એસબીઆઈની મુંબઈ શાખામાં રૂ. ૪૩ કરોડ, નવી દિલ્હીમાં રૂ. ૪૦ કરોડ, કોલકાતામાં રૂ. ૩૯ કરોડ અને પણજીમાં રૂ. ૫૦ લાખના ચૂંટણી બોન્ડનું વેચાણ થયું છે.બોન્ડ રિડીમ કરવાના સંદર્ભમાં હૈદરાબાદની શાખામાં સૌથી વધુ રૂ. ૪૨૦.૯૮ કરોડના બોન્ડ રિડીમ થયા છે.ત્યાર પછી નવી દિલ્હીમાં રૂ. ૧૦૬.૫૦ કરોડ, કોલકાતામાં ૧૮ કરોડ અને ભુવનેશ્વરમાં રૂ. ૩ કરોડના બોન્ડ રિડીમ થયા છે.આ વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં ૧લીથી ૧૦મી જાન્યુઆરી વચ્ચે ચૂંટણી બોન્ડના વેચાણની ૧૯મી આવૃત્તિમાં રૂ. ૧,૨૧૩.૨૬ કરોડના ચૂંટણી બોન્ડનું વેચાણ થયું હતું અને રાજકીય પક્ષોએ રૂ. ૪૦ લાખ સિવાય બધા જ નાણાં રિડીમ કરી લીધા હતા.
આ પહેલાં ઑક્ટોબર ૨૦૨૧માં ૧૮મા તબક્કામાં રૂ. ૬૧૪.૩૩ કરોડ અને જુલાઈ ૨૦૨૧માં ૧૭મા તબક્કામાં રૂ. ૧૫૦.૫૧ કરોડના બોન્ડ વેચાયા હતા તેમજ પક્ષોએ બધા જ નાણાં રિડીમ કરી લીધા હતા.અગાઉ એપ્રિલમાં રૂ. ૬૯૫.૩૪ કરોડના મૂલ્યના બોન્ડનું વેચાણ થયું હતું અને પ્રત્યેક રૂ. ૧,૦૦૦ના માત્ર બે બોન્ડ્સ રિડીમ કરાયા નહોતા.વર્ષ ૨૦૧૮થી દેશમાં ચૂંટણી બોન્ડનું વેચાણ શરૂ કરાયું છે અને અત્યાર સુધીમાં ૨૦ તબક્કામાં આ બોન્ડનું વેચાણ થયું છે.