ઓટાવા, તા. 30 એપ્રિલ 2022, શનિવાર : હેલ્થ કેનેડા દ્વારા સમલૈંગિક પુરૂષો દ્વારા કરવામાં આવતા રક્તદાન પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ પગલાંને તમામ કેનેડિયન નાગરિકો માટે સારા સમાચાર સમાન ગણાવ્યું હતું અને સાથે જ આ નિર્ણય લેવામાં ઘણું મોડું થઈ ગયું તેમ પણ જણાવ્યું હતું.ટ્રુડોના મતે આ પ્રતિબંધ આજથી 10-15 વર્ષો પહેલા જ દૂર થઈ જવો જોઈતો હતો.સંશોધનોમાં જાણવા મળ્યું હતું કે, તેનાથી બ્લડ સપ્લાયની સુરક્ષા પર કોઈ જ અસર નહીં પડે તેમ છતાં પાછલી સરકારોએ આ બાબતે કોઈ પગલું નહોતું ભર્યું.
ટ્રુડોએ જણાવ્યું કે, રક્તદાન સંબંધી નિયમમાં ફેરફાર કરવા માટે જરૂરી સુરક્ષાના પાસાઓ અંગે સંશોધન કરવા માટે તેમની સરકારે 39 લાખ ડોલરનો ખર્ચો કર્યો છે.અનેક વૈજ્ઞાનિક રિપોર્ટમાં બ્લડ સપ્લાય સુરક્ષિત બની રહેશે તેવું સામે આવ્યું છે.કેનેડિયન બ્લડ સર્વિસિઝે હેલ્થ કેનેડા સમક્ષ આ અંગેની નીતિનો અંત આણવા રજૂઆત કરી હતી.નીતિ પ્રમાણે સમલૈંગિક યૌન સંબંધ બાંધ્યાના 3 માસ સુધી સમલૈંગિકો પર રક્તદાન કરવા માટે પ્રતિબંધ હતો.હેલ્થ કેનેડાએ આ પ્રકારની રજૂઆતને માન આપીને પ્રતિબંધ હટાવી લીધો છે.
હેલ્થ કેનેડાએ કેનેડા સરકારનો એક હિસ્સો છે જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિઓ સાથે સંકળાયેલા નિર્ણયો લે છે.આ નીતિ 1992ના વર્ષમાં લાગુ કરવામાં આવી હતી.એક રક્ત કૌભાંડ બાદ સમલૈંગિક પુરૂષો દ્વારા રક્તદાન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં રક્તદાન સંબંધી નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા.વર્ષ 2019માં તે પ્રતિબંધની અવધિ ઘટાડીને 3 માસ કરી દેવામાં આવી હતી.