મહારાષ્ટ્રમાં માત્ર બે માસમાં 21 લોકોએ હિટસ્ટ્રોકમાં જીવ ગુમાવ્યા

115

મુંબઇ : મહારાષ્ટ્રમાં આ વર્ષના માર્ચથી અત્યાર સુધીમાં વિવિધ જિલ્લામાં ઉષ્માઘાત (હીટસ્ટ્રોક)ને કારણે ૨૧ લોકોનાં મોત થયાનું નોંધાયું છે.છેલ્લાં પાંચ વર્ષમાં ઉષ્માઘાતથી થયેલાં આ સૌથી વધુ મોત છે એમ રાજ્યના સર્વેલન્સ ઓફિસર ડો. પ્રદીપ અવટેએ જણાવ્યું હતું.આ અગાઉ, ૨૦૧૬માં કાળઝાળ ગરમીની આવી અસરમાં ૧૯ જણાના મોત થયાં હતાં.
મહારાષ્ટ્રમાં આ ઉનાળામાં ઉષ્માઘાતનો ભોગ બનેલા કુલ નાગરિકો પૈકી નાગપુરમાં સાત, જલગાંવમાં ચાર, અકોલાના ત્રણ, જાલનાના બે તથા અમરાવતી, ઔરંગાબાદ, હિંગોલી, ઉસ્માનાબાદ અને પરભણી પૈકી પ્રત્યેકના એક એક જણાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, છેલ્લાં બે મહિનામાં ઉષ્માઘાતના ૩૩૮ કેસ પણ નોંધાયા છે.આમાંના સર્વાધિક ૨૬૨ કેસ નાગપુરમાં, તે પછી ૨૯ અકોલા, ૨૧ પુણે, ૧૪ નાશિક, ૧૦ ઔરંગાબાદ તથા લાતુર અને કોલ્હાપુર પૈકી પ્રત્યેકમાં એક એક કેસ નોંધાયા છે.આરોગ્ય ખાતાના અધિકારીઓએ કહ્યું હતું કે આગામી મહિનાઓમાં ગરમી સંબંધી બિમારીઓના કેસ વધવાની અમારી ધારણા છે તથા આ બાબતે સાવચેતીના આદેશો તથા સલાહ- સૂચનો (એડવાઈઝરી) સંબંધીત અધિકારીઓને આપવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ તથા રાજ્યના આરોગ્ય ખાતાએ વિદર્ભ તથા મધ્ય મહારાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારો માટે યલો તથા ઓરેન્જ એલર્ટસ જારી કર્યા છે.ઉલ્લેખનીય છે કે ગરમીથી થતી શારીરિક તાણ કે થકાવટની તુલનાએ ઉષ્માઘાત એક પ્રકારની મેડિકલ ઈમર્જન્સી છે અને તેનો ઝડપથી યોગ્ય રીતે ઉપચાર ન કરાય તો તે જીવલેણ બની શકે છે.

Share Now