મુંબઈ : કોરોના કાળ માં ઘરેબેઠાં બાળકો સ્થૂળ બન્યાનું ધ્યાનમાં આવ્યા બાદ મુંબઈની અનેક શાળાઓએ તેમની કેન્ટિનના મેનુમાંથી જંક ફૂડની બાદબાકી શરુ કરી છે.સમોસા કે વડા પાંવને બદલે હેલ્ધી સેન્ડવિચ તથા સોફ્ટ ડ્રિંકને બદલે છાશના વિકલ્પો અજમાવાઈ રહ્યા છે.સ્કૂલ કેન્ટિનમાં નો જંકફૂડના બોર્ડ લાગ્યાં ઃ સોફ્ટ ડ્રિંકને બદલે છાશ તથા ફળો અને સેન્ડવિચ-ઉપમાના વિકલ્પ વિચારાયા.પ્રાપ્ત માહિતીનુસાર, કેટલીક સ્કૂલોએ આ બાબતે વાલીઓને એક મેનૂ કાર્ડ આપેલું છે.જેના આધારે જ વાલીઓએ બાળકોને શાળામાં નાસ્તો મોકલવાનો રહેશે.મહામારી બાદ વાલીઓ તેમના બાળકોની રોગપ્રતિકારક શક્તિને લઈને વધુ ચિંતિત જોવા મળ્યાં છે.આથી તેમની આ ચિંતાના નિવારણ માટે બાળકોને સ્વાસ્થ્યપ્રદ આહાર આપવો જરુરી છે.
ખાનગી અંગ્રેજી માધ્યમોની કેટલીક શાળામાં તો ‘નો જંકફૂડ’ ના બોર્ડ પણ લાગી ગયા છે.એ સ્કૂલો એટલે સુધી માનવા લાગી છે કે, બાળકોને પૌવા, ઉપમા, સેન્ડવિચ જેવા નાસ્તા રીસેસ માટે ટિફીનમાં આપવા.જન્મદિવસે પણ બાળકોએ એકબીજા સાથે ચોકલેટ્સ કે કેકની વહેંચણી કરવાને બદલે ફળ કે બૂક, પેન્સિલ જેવી સ્ટેશનરીની વહેંચણી કરવી જોઈએ.સીબીએસઈ, સીઆઈએસસીઈની શાળાઓમાં આશરે દાયકા પહેલાં પોષણયુક્ત આહાર બાબતે ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.પરંતુ ૨૦૧૯માં બાળકોમાં સ્થૂળતા વધી રહી હોવાનું જોવા મળતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ સ્કૂલોને વિદ્યાર્થીઓના પોષણયુક્ત આહાર માટે ધોરણ નક્કી કરવા કહ્યું.
સ્કૂલોનું પણ કહેવું છે કે, કોરોનાના બે વર્ષ ઘરમાં રહ્યાં બાદ બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધ્યું છે.વળી સ્કૂલોમાં પણ રમતગમત થઈ નહોતી અને ઘરે પણ બાળકો ઘરમાં મોબાઈલ સામે જ પડયા રહેતાં હતાં. આથી તેમના શારીરિક સ્વાસ્થ્ય પર જંક ફૂડની ઘણી અસર થઈ છે.તે માટે થઈને હવે સ્કૂલોએ પણ તકેદારી લઈ કેન્ટીનમાંથી વડાપાવ તેમજ સમોસાપાવને જાકારો આપી પોષણયુક્ત આહારને સ્થાન આપવું રહ્યું.કારણ તળેલાં પદાર્થોની બાળકોના સ્વાસ્થ્ય પર લાંબે ગાળે નબળી અસર થતી હોવાનું પણ સામે આવ્યું છે.જોકે સ્કૂલો વડાપાવ બંધ કરશે તો બાળકો નહીં ખાય તેવું નથી કારણ તે સરળતાથી બહાર પણ સસ્તાં ભાવે મળી રહે છે.પરંતુ બાળકોને જંકફૂડ તરફ જતાં રોકવા હોય તો વાલીઓએ પણ તેમના પર અંકુશ રાખી તેમને ભાવે તેવી વસ્તુઓ ઘરેથી જ બનાવીને મોકલવાની આદત સેવવી પડશે.