લંડન, તા.૨ : વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમનું આયોજન કરી રહેલી ઓલ ઈંગ્લેન્ડ કલબે રશિયાએ યુક્રેન પર કરેલા હૂમલાને પગલે રશિયન ખેલાડીઓને ગ્રાસ કોર્ટ પર રમાતી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની પરવાનગી આપી નથી.રશિયાની મદદ કરનારા બેલારુસના ખેલાડીઓ પર પણ વિમ્બલ્ડનમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે.હવે વિમ્બલ્ડને લીધેલા નિર્ણયના મુદ્દે રેકોર્ડ ૨૧ ગ્રાન્ડ સ્લેમ વિજેતા નડાલ અને યુક્રેનનો ભૂતપૂર્વ ખેલાડી સ્ટાખોવ્સ્કી આમને-સામને આવી ગયા છેે.
નડાલ સહિત વર્લ્ડ નંબર વન યોકોવિચ અને બ્રિટનના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન એન્ડી મરેએ વિમ્બલ્ડનના આયોજકોની ટીકા કરી હતી અને રશિયા-બેલારુસના ખેલાડીઓ પરના પ્રતિબંધને અયોગ્ય ગણાવ્યો હતો.જોકે વર્લ્ડ રેકોર્ડ ૨૧ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા નડાલની આ કોમેન્ટથી યુક્રેનનો ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સ્ટાખોવ્સ્કી નારાજ થયો હતો. સ્ટાખોવ્સ્કી હાલ યુક્રેનના સૈન્ય તરફથી રશિયન સેના સામે લડી રહ્યો છે.સ્ટાખોવ્સ્કી નડાલ સામે રમી ચૂક્યો છે.તેણે ૨૦૧૩ની વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં ફેડરરને હરાવ્યો હતો. સ્ટાખોવ્સ્કીએ સોશિયલ મીડિયામાં નડાલને વેધક સવાલો પૂછતાં લખ્યું હતુ કે, આપણે ટૂરમાં સામ-સામે રમી ચૂક્યા છીએ.હવે મહેરબાની કરીને મને કહો કે, યુક્રેનિયન ખેલાડીઓ ઘરે પાછા ફરી શકતાં નથી તે કેટલું યોગ્ય છે? યુક્રેનિયન બાળકો ટેનિસ રમીશકતાં નથી તે કેટલું યોગ્ય છે ? યુક્રેનિયનો જાન ગુમાવી રહ્યા છે, તે કેટલું યોગ્ય છે ?