અમદાવાદ,બુધવાર, 4 મે, 2022 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભદ્ર પ્લાઝાને ત્રણ ફેઝમાં ડેવલપ કરવાનું આયોજન હતું.પરંતુ નપાણીયા તંત્રના પાપે આ પ્રોજેકટ પહેલા ફેઝ બાદ અભેરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યો છે.બીજા ફેઝમાં માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.ભદ્ર પ્લાઝા વિસ્તારમાં કેટલાક વર્ષો પહેલા બનાવવામાં આવેલા અમદાવાદ શહેરના ઈતિહાસને દર્શાવતા મ્યુઝિયમ કમ ઓડીટોરીયમ વિશે હાલના શાસકો પણ કાંઈ જાણતા નથી.વડાપ્રધાન જે સમયે રાજયના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા હતા એ સમયે વર્ષ-૨૦૧૦માં તેમણે અમદાવાદના હાર્દસમાન એવા ભદ્ર વિસ્તારના ડેવલપમેન્ટ માટે ત્રણ ફેઝનો ડીટેઈલ પ્રોજેકટ તૈયાર કરાવીને કેન્દ્ર સરકારમાં મોકલી આપ્યો હતો.એ સમયે જેએનએનયુઆરએમ મિશન હેઠળ કેન્દ્ર સરકારની ગ્રાન્ટની મદદથી ભદ્ર પ્લાઝાના ડેવલપમેન્ટ માટે ૯૨.૨૮ કરોડની કીંમત સાથે ત્રણ ફેઝમાં આ વિસ્તારને ડેવલપ કરવાનો નિર્ણય કરાયો હતો.પહેલા ફેઝમાં ભદ્રના કીલ્લાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારને ડેવલપ કરી બીજા ફેઝમાં ભદ્ર ફોર્ટને સાબરમતી રિવરફ્રન્ટ સાથે કનેકટિવિટી આપવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ભદ્ર પ્લાઝાના પહેલા ફેઝમાં કરવામાં આવેલા ડેવલપમેન્ટમાં આ વિસ્તારને દબાણમુકત કરવાની સાથે આવતા મુલાકાતીઓ માટે બેસવા માટેના સ્ટીલના બાંકડા ઉપરાંત સ્ટ્રીટલાઈટ,એલ.ઈ.ડી.સહિતની અન્ય સુવિધા ઉભી કરવામાં આવી હતી.આ ઉપરાંત આ વિસ્તારમાં પાંચ કરોડની અંદાજિત કીંમત સાથે અમદાવાદના ઈતિહાસની યાદોના સંભારણા સાથેનું મ્યુઝિયમ કમ ઓડીટોરીયમ પણ કેટલાક વર્ષો અગાઉ બનાવવામાં આવ્યુ હતું.આ ઓડીટોરીયમની હાલમાં શુ સ્થિતિ છે? આ મ્યુઝિયમ કમ ઓડિટોરીયમને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઓડીટોરીયમ કે હોલની યાદીમાં સમાવવામાં આવ્યુ છે કે કેમ? આ મ્યુઝિયમ કમ ઓડિટોરીયમના વપરાશ માટેના કોઈ દર નકકી કરવામાં આવ્યા છે કે કેમ? વગેરે બાબતો અંગે તંત્રમાં બેઠેલા સત્તાધીશોને પુછવામાં આવતા એ લોકો પાસે પણ આ અંગે કોઈ માહિતી નથી.
જે સમયે ૩૨ કરોડ રુપિયા જેટલો ખર્ચ ભદ્ર પ્લાઝા વિસ્તારના ડેવલપમેન્ટ પાછળ કરવામાં આવ્યો એ પછી કેન્દ્ર તરફથી આ પ્રોજેકટ માટે વધુ રકમ ગ્રાન્ટ પેટે આપવાની અસહમતિ દર્શાવવામાં આવતા છેલ્લા ઘણા વર્ષોથી ભદ્ર ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ કરવાની બાકી રહેતી કામગીરીને પુરી કરવા બાબતમાં ના તો મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર તરફથી ના તો શાસકપક્ષ તરફથી કોઈ ઉત્સાહ બતાવવામાં આવતો ના હોવાના કારણે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ અભેરાઈ ઉપર મુકાઈ ગયો છે.
ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ ભદ્ર ફોર્ટ વિસ્તારને સાબરમતી રિવરફ્રન્ટ સાથે કનેકટિવિટી આપવાનુ આયોજન હતુ.જે આયોજન અભેરાઈ ઉપર મુકી દેવામાં આવ્યુ છે.બીજા ફેઝમાં માણેકચોક વિસ્તારનુ રિડેવલપમેન્ટ કરવાનુ હતુ.આ અંગે તત્કાલિન મેયર ગૌતમ શાહ અને હેરિટેજ વિભાગના સ્વ.વાસુદેવન નાયર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી.આજે ગૌતમ શાહ પૂર્વ મેયર થઈ ગયા છે.વાસુદેવન નાયરનું અવસાન થઈ ગયુ છે.વર્તમાન શાસકોને ભદ્ર પ્લાઝાના વિકાસમાં કોઈ રસ નથી.એસ્ટેટ વિભાગ અને હેરિટેજ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને પણ હેરીટેજને સાચવવાના બદલે ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો થતા રહે અને તેમનુ સેટીંગ ચાલતુ રહે એમાં રસ હોવાથી બીજા ફેઝની કામગીરી થઈ શકી નથી.
પાંચ વર્ષ બાદ પણ હેરિટેજ કન્ઝર્વેશન પ્લાનના ઠેકાણાં નથી પડતા
અમદાવાદ શહેરને યૂનેસ્કો દ્વારા જૂલાઈ-૨૦૧૭માં વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજજો આપ્યો હતો.જે સમયે આ દરજજો શહેરને આપવામાં આવ્યો હતો એ સમયે યૂનેસ્કો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજ વિભાગને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે,ભદ્ર ફોર્ટ અને પ્લાઝા વિસ્તાર ઉપરાંત અમદાવાદ શહેરમાં આવેલી જામા મસ્જિદ,સીદી સૈયદની જાળી,બાદશાહનો હજીરો,રાણીનો હજીરો હોય કે અમદાવાદ શહેરના ઐતિહાસિક દરવાજા આ તમામ દરવાજા આસપાસના વિસ્તારમાં એક પણ પ્રકારનું દબાણ હોવુ જોઈએ નહીં.જેથી આ હેરીટેજની મુલાકાત લેવા આવનારા ઉપરાંત પેડેસ્ટ્રીયન એટલે કે રાહદારીઓને જવા કે આવવામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે.આમ છતાં હાલમાં આ તમામ સ્થળોએ શુ સ્થિતિ છે એ અંગે મ્યુનિ.ના અધિકારીઓ અને સત્તાધીશો પુરી રીતે વાકેફ છે.પરંતુ ડેડીકેશન કે કરવુ નથી એવી ભાવનાથી પિડાતા અધિકારીઓ કે સત્તાધીશો નથી તો આ હેરીટેજ મોન્યુમેન્ટ આસપાસના દબાણો દુર કરી શકતા કે નથી યૂનેસ્કોની બીજી શરત મુજબ,વોલ સિટી કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરી શકયા.થોડા સમય પહેલા એક એજન્સીને હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરવા કામગીરી સોંપાઈ હતી.જે સમયસર ના થઈ શકતા હવે મ્યુનિ.તંત્ર દ્વારા આ હેરિટેજ કન્ઝર્વેશન પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.એ કયારે પુરો થશે? કયારે યૂનેસ્કો સમક્ષ સબમીટ કરાશે અને કયારે એના ઉપર અમલ કરાશે?એનો કોઈ જવાબ ન તો તંત્રના અધિકારીઓ પાસે છે ન તો સત્તાધીશો પાસે.