પૂણે, તા.૪ : યુવા બેટ્સમેન લોમરોરના ૨૭ બોલમાં ૪૨ રન બાદ હર્ષલ પટેલે ૩૫ રનમાં ત્રણ અને હેઝલવૂડે ૨૨ રનમાં બે વિકેટ ઝડપતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હારનો સિલસિલો અટકાવતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૧૩ રનથી વિજય મેળવ્યો હતો.જીતવા માટેના ૧૭૪ના ટાર્ગેટ સામે ચેન્નાઈ ૮ વિકેટે માત્ર ૧૬૦ રન જ કરી શક્યું હતુ.કોન્વે (૫૬) અને મોઈન અલી (૩૪)એ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ટીમને જીતાડી શક્યા નહતા.બેંગ્લોરનો સતત ત્રણ પરાજય બાદનો આ પ્રથમ વિજય હતો.જ્યારે ચેન્નાઈ ધોનીએ સુકાન સંભાળ્યું તે પછી પહેલી મેચમાં હાર્યું હતુ.અગાઉ લોમરોરે ૨૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૨ રન ફટકારતાં બેંગ્લોરના બેટ્સમેનોએ ચેન્નાઈ સામે લડાયક દેખાવ કરતાં સ્કોરને ૮ વિકેટે ૧૭૩ રન સુધી પહોંચાડયો હતો.બેંગ્લોરે પ્રથમ ૧૦ ઓવરમાં ૭૯ રન નોંધાવ્યા હતા. જ્યારે આખરી ૧૦ ઓવરમાં બેંગ્લોરે ૯૪ રન લીધા હતા.થીક્શાનાએ એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટિંગમાં ઉતાર્યું હતુ.કોહલી અને ડુ પ્લેસીસની જોડીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મજબુત શરૃઆત અપાવી હતી.તેમણે ૪૪ બોલમાં ૬૨ રન જોડયા હતા.ડુ પ્લેસીસ ૨૨ બોલમાં ૩૮ રન કરીને મોઈન અલીનો પહેલો શિકાર બન્યો હતો.જે પછી મેક્સવેલ માત્ર ૩ રને રનઆઉટ થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.અલીએ ત્યાર બાદ ૩૦ રનેના વ્યક્તિગત સ્કોર પર કોહલીને ક્લિન બોલ્ડ કર્યો હતો.આ સાથે બેંગ્લોરનો સ્કોર ૭૯માં ત્રણ વિકેટ થઈ ગયો હતો.લોમરોરે ૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૨૭ બોલમાં ૪૨ રન કર્યા હતા.તેણે અને પાટીદારે ૪૪ રનની ભાગીદારી નોંધાવી હતી.લોમરોર અને કાર્તિકે ૩૨ રન જોડયા હતા.થીક્શાનાએ ઈનિંગની ૧૯મી ઓવરમાં ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.જેના લીધે બેંગ્લોર ૧૫૫/૪ થી ૧૫૭/૭ પર ફસડાયું હતુ.પ્રેટોરિઅસની આખરી ઓવરમાં બેંગ્લોરે ૧૬ રન લીધા હતા.