સુરત, તા. 23 માર્ચ 2020, સોમવાર
હીરા બજાર સવારે 10 થી 12 બે કલાક ખુલ્લા રહેશે, એવી જાહેરાતને કારણે આજે વહેલી સવારે વેપારીઓ, કારખાનેદારો અને દલાલો હીરા બજારમાં ધસી ગયા હતા. પરંતુ બજારમાં ભારે ભીડ ઉભી થતા પોલીસે તાત્કાલીક સેઇફ વોલ્ટ બંધ કરાવી દીધા હતા.
જોકે, બાદમાં પોલીસે સહયોગ આપતા, કારખાનેદારો અને વેપારીઓ સેઇફ વૉલ્ટમાંથી નાણાં અને જોખમ કાઢી શક્યા હતા. પોલીસે વેપારીઓ અને કારખાનેદારોને હીરા બજારમાં ભીડ નહીં કરવા અને જે કોઈ માલ પડયો છે તે તાત્કાલિક લઈને નીકળી જવાની સુચના આપી હતી.
આજે સવારે 10:30 વાગ્યાના સુમારે હીરા બજારમાં વેપારીઓ અને કારખાનેદારો વોલ્ટમાં પડેલો માલ અને નાણાં ઉપાડવા માટે ધસી આવતા, ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી એમ હીરાબજારનાં સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.