મુંબઇ : નવી મુંબઇના તુર્ભે એમઆઇડીસીમાં આવેલ એક રબર કંપનીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી.આ આગ એટલી ભીષણ હતી કે આસપાસની નવ કંપનીઓ આગની ચપેટમાં આવી ગઇ હતી જ્યારે ચાર કંપનીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી.આ કંપનીઓમાં કરોોડના નુકસાનનો અંદાજ છે.આગની ભીષણતા એટલી હતી કે ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ફાયર બ્રિગેડની વિવિધ ટીમોએ આગમાં સપડાયેલા લોકોને હેમખેમ બહાર કાઢયા હતા તેથી કોઇ જાનહાનિ નોંધાઇ નહોતી.
આ સંદર્ભે ફાયરબ્રિગેડના સૂત્રોએ આપેલ વિગતાનુસાર આજે બપોરે ૩.૨૫ કલાકે નવી મુંબઇ એમઆઇડીસીના તુર્ભે- ખૈરાનેના પ્લોટ નંબર એ- ૭૫૩માં આવેલ વેસ્ટ-કોસ્ટ પોલીકેમિકલ નામની રબર કંપનીમાં આગ લાગી હોવાનો કોલ ફાયરબ્રિગેડને ગયો હતો.ત્યારબાદ નવી મુંબઇ ફાયરબ્રિગેડના ચાર ફાયર વાહન, એક બ્રાન્ટો લિફ્ટ, ચાર વોટર ટેન્કર તેમજ થાણે પાલિકાનું એક ફાયર વાહન ઘટના સ્થળે પહોંચી ગયું હતું.આ દરમિયાન આગે ખૂબ જ ભીષણ રૃપ પકડી લેતા આગના કાળા ડિબાંગ વાદળો દૂર- દૂરથી નજરે પડતા હતા.ફાયર બ્રિગેડે આગ બુઝાવવાના અને આ દુર્ઘટનામાં સપડાઇ ગયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો આદર્યા હતા. આગની ભીષણતાને લીધે ફાયરબ્રિગેડને તેમની કામગિરી બજાવવામાં સતત મુશ્કેલી પડી હતી.
રબર ફેક્ટરીમાં લાગેલી આગે પાસે આવેલ કેમિકલ કંપની અને કોલ્ડ સ્ટોરેજની પણ અડફેટમાં લીધી હતી.આગના કાળા ડિબાંગ વાદળો નવી મુંબઇના આકાશમાં છવાઇ જતા દૂર- દૂરથી લોકો આગને સ્થળે પહોંચી ગયા હતા.તેથી ટોળાને કાબૂમાં રાખવા નવી મુંબઇના તુર્ભે પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.નવી મુંબઇ પાલિકાના ફાયર બ્રિગેડને મદદ કરવા એમઆઇડીસીના ફાયર- ફાઇટીંગ વાહનો પણ જોડાયા હતા.આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી કે કોઇને ઇજા પહોંચી નહોતી.